Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અગ્નિપથ યોજના પાછી ખેંચી મોદીએ માફીવીર બનવું પડશે : રાહુલ ગાંધી

યુવાનો અન્યાય થતાં અગ્નિપથનો વિરોધ કરી રહ્યા છે : વડાપ્રધાનને તેમના મિત્રોના અવાજ સિવાય કંઈ જ સંભળાતું ન હોવાનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આક્ષેપ

નવી દિલ્હી, તા.૧૮ : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ભાજપ સરકારે સતત ૮ વર્ષોથી 'જય જવાન, જય કિસાન'ના મૂલ્યોનું અપમાન કર્યું છે. મે અગાઉ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન જીને કાળા કૃષિ કાયદાને પાછો ખેંચવો પડશે. એ જ રીતે તેમણે 'માફીવીર' બનીને દેશના યુવાનોની વાત માનવી પડશે અને 'અગ્નિપથ'ને સ્કીમ પાછી લેવી પડશે. રાહુલ ગાંધીએ અગ્નિવીર ભરતી યોજનાને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. યુવાનો સતત અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યો છે અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે.

રાહુલ ગાંધીએ ગુરૂવારે આ મુદ્દે ટ્વીટ કરીને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અગ્નિપથ યોજનાને યુવાનોએ નકારી કાઢી છે. ખેડૂતો દ્વારા કૃષિ કાયદાઓને નકારી કાઢવામાં આવ્યા હતા. અર્થશાસ્ત્રીઓએ નોટબંધીને નકારી કાઢી હતી. આ સિવાય વેપારીઓ દ્વારા જીએસટીને ફગાવી દેવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશની જનતા શું ઈચ્છે છે આ વાત વડાપ્રધાન સમજી શકતા નથી કારણ કે તેમને તેમના 'મિત્રો'ના અવાજ સિવાય કંઈ જ સંભળાતું નથી.  રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધી પણ આ યોજનાને લઈને પ્રહારો કરી રહ્યા છે અને સરકાર પર નિશાન સાધી રહી છે. તમને જણવી દઈએ કે, આ અઠવાડિયે મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે આ યોજનાની જાહેરાત કરી હતી. અગ્નિપથ યોજનાને લઈને બિહાર અને યુપી જેવા રાજ્યોમાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આ યોજના હેઠળ ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ સુધીના યુવાનોને અગ્નિવીર તરીકે સેનામાં ભરતી કરવામાં આવશે. તેમની નિમણુક ૪ વર્ષ માટે કરવામાં આવશે. ત્યારબાદ ૨૫ ટકા લોકોને વધુ સેવા માટે પસંદ કરવામાં આવશે અને ૭૫ ટકા લોકોને પ્રમાણપત્ર અને ૧૧ લાખ રૂપિયાના પેકેજ સાથે વિદાય કરવામાં આવશે. આ લોકો માટે રાઈફલ્સ અને પેરા મિલિટરી ફોર્સની નોકરીઓમાં અનામત આપવામાં આવશે. આ સિવાય ભરતીની નિયત વયમર્યાદામાં પણ ૩ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. 

(8:14 pm IST)