Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાકેશ ટિકેતે હરિદ્વાર ખાતે આયોજિત તૃદિવસિય ખેડૂત શિબિરના બીજા દિવસે સંઘની પત્રિકામાં છપાયેલા લેખ

નવી દિલ્હી, તા. 18 જૂન 2022, શનિવાર :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પત્રિકામાં સિસૌલીના લોકોને ખાલિસ્તાન સમર્થક ગણાવાયા તે મુદ્દે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત રોષે ભરાયા છે. રાકેશ ટિકૈતે હરિદ્વાર ખાતે આયોજિત ત્રિદિવસીય ખેડૂત શિબિરના બીજા દિવસે સંઘની પત્રિકામાં છપાયેલા લેખ સામે વિરોધ નોંધાવ્યો હતો.

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, સિસૌલીના લોકોને ખાલિસ્તાની ગણાવતો ભાગ દૂર કરીને પત્રિકામાં સાચું તથ્ય નહીં છાપવામાં આવે તો લેખ લખનારા તથા પત્રિકા છાપનારા સામે કેસ દાખલ કરાવવામાં આવશે.

રાકેશ ટિકૈતે જણાવ્યું કે, પત્રિકામાં છપાયેલા લેખમાં લખવામાં આવ્યું છે કે, 'અમે ખાલિસ્તાનીઓનું સમર્થન કર્યું. ભાઈ એ એટલું બતાવી દે કે શું પુરાવા છે. શું દેશના તમામ સરદારો ખાલિસ્તાની છે. અમે ક્યાંથી આવ્યા છીએ ભાઈ, અમને પણ કહી દો. જ્યાં સુધી આ મામલે સ્પષ્ટીકરણ નહીં થાય ત્યાં સુધી અમે સંઘની શાખાનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું. લેખમાં અમારા પરિવાર વિશે જે છાપ્યું છે, સંગઠન વિશે જે છાપ્યું છે તેને સરખું કરીને છાપવામાં આવે.'

વધુમાં જણાવ્યું કે, 'લેખમાં અમારી છબિ ખરડવાનો પ્રયત્ન થયો જેનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીશું.' રાકેશ ટિકૈતે સંઘની શાખાઓના વિરોધની જાહેરાત કરી હતી અને કહ્યું કે, જ્યાં-જ્યાં સંઘની શાખા લાગશે ત્યાં અમે પણ શાખા લગાવીશું. અમારા પાસે લાકડી છે જ. ખેડૂતોની લાકડી કાયમી છે, આ તો નકલી લાકડી રાખનારા લોકો છે. તેઓ ઝેર ઘોળવાનું કામ કરે છે તે આજે ખબર પડી. તેઓ પૂજા-પાઠ કરનારા લાગે છે પણ છે નહીં, હકીકતમાં તેઓ એવા પરિવારોમાંથી આવે છે જે મંદિરોમાં બલિ આપતા હતા.

અગ્નિપથ યોજનાનો વિરોધ

સેનામાં ભરતી માટેની અગ્નિપથ યોજનાના વિરોધમાં રાકેશ ટિકૈતે કહ્યું કે, દેશ આવી રીતે નહીં ચાલે. ટિકૈતે આગામી 30 જૂનના રોજ આ યોજનાના વિરોધમાં જિલ્લા હેડક્વાર્ટર્સ ખાતે પ્રદર્શનોની જાહેરાત કરી હતી અને આગળની રણનીતિ ત્યાં નક્કી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ટિકૈતે લાલ કોઠીથી ચરણ સિંહ ઘાટ સુધીની પદયાત્રાની પણ જાહેરાત કરી હતી.

(10:02 pm IST)