Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અફઘાનિસ્‍તાને ડુગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો : જેની અસર ભારતની બજારમાં પણ પડી શકે છે

કાબુલ, તા.18 : અફઘાનિસ્તાને સ્થાનિક બજારમાં ભાવને અંકુશમાં રાખવા અને માંગને પહોંચી વળવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેની સીધી અસર ભારતીય બજારમાં પણ દેખાશે તેવી ધારણા છે.

અફઘાનિસ્તાનના ચેમ્બર ઓફ એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોકએ એક નિવેદનમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં દુષ્કાળને કારણે ડુંગળીના પાકમાં ઘટાડો થયો છે જેના કારણે ભાવ પણ વધી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં હાલ સાત કિલોગ્રામ ડુંગળીની કિંમત 200 અફઘાની છે. સ્થાનિક બજારમાં મર્યાદિત પુરવઠાની સામે માંગ વધારે રહેતા ભાવ વધી રહ્યા છે જેને અંકુશમાં રાખવા નિકાસ બંધ કરી દેવાઇ છે. સામાન્ય હાલના સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનમાં સાત કિલો ડુંગળીની કિંમત 30 અફઘાનીની આસપાસ રહેતી હોય છે.

અફઘાનિસ્તાન પાકિસ્તાન, ભારત, રશિયા અને મધ્ય એશિયાના દેશોમાં ડુંગળીની નિકાસ કરે છે.

અફઘાનિસ્તાનના નિકાસ પ્રતિબંધની ભારતીય બજારમાં ડુંગળીના ભાવ પર દેખાવા લાગશે.

ભારતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બરથી જ ડુંગળીના ભાવ ધીમી ધીમે વધવા લાગે છે અને ડિસેમ્બર સુધી ઉંચા સ્તરે રહે છે. ભારતમાં પણ સ્થાનિક બજારોમાં સપ્લાય ઘટતા ભાવ વધી રહ્યા છે. ગત મહિને મહારાષ્ટ્રના લાણસગાંવના બજારમાં ગુણવત્તા અનુસાર પ્રતિ ક્વિન્ટલ રૂ. 400થી 1000ના ભાવે વેચાતી ડુંગળીના ભાવ હાલ વધીને રૂ. 600થી 1600ની વચ્ચે બોલાઇ રહ્યા છે. નાસિકના બજારમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ સોમવારના રૂ. 1200 પ્રતિ ક્વિન્ટલથી વધીને હાલ રૂ. 1320ની આસપાસ બોલાઇ રહ્યો છે જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. તો દિલ્હીની આઝારપુર મંડીમાં પણ ભાવ અગાઉ રૂ. 500થી 1500 પ્રતિ ક્વિન્ટલની વચ્ચે હતા જેના હાલ રૂ. 600થી 2000ની વચ્ચે બોલાઇ રહ્યા છે.

(10:11 pm IST)