Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી નહીં થાય મોંઘી : જીએસટી કાઉન્સિલે નવો ટેક્સ લાદવા નિર્ણય કર્યો નથી

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સંદર્ભે બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી

નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલની 45મી બેઠક પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એપ્સમાંથી ફૂડ મંગાવવો મોંઘો પડી શકે છે. GST કાઉન્સિલ આ સર્વિસ પર જીએસટીના દરમાં વધારો કરી શકે છે. પરંતુ બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સંદર્ભે બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એપ પર GST લાદવા માટે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ બાબતમાં ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતાનો અભાવ હતો. આથી કાઉન્સિલે આ સર્વિસ પર કોઈ નવો ટેક્સ લાદવાનો નિર્ણય કર્યો નથી. જો કે એ વાત પર સંમતિ આપવામાં આવી છે કે ફૂડ ડિલિવરી સમયે, આ એપ્સ ફૂડ ડિલિવરી પોઇન્ટ પર એટલે કે ડિલિવરી પોઇન્ટ પર ટેક્સ એકત્રિત કરશે અને પછીથી ચૂકવશે. આ એપ્સ તે જ ટેક્સ વસૂલશે જે રેસ્ટોરાં ચાર્જ કરે છે.

આ સાથે નાણામંત્રીએ જણાવ્યું કે પરિષદે મંત્રીઓના બે જૂથોની રચના કરી છે. મંત્રીઓના આ જૂથમાંથી એક GST દરો સંબંધિત સમસ્યાઓ અને તેમને તર્કસંગત બનાવવા માટેના ઉકેલો પર એક અહેવાલ તૈયાર કરશે. જ્યારે બીજુ ગ્રુપ GSTના પાલન, ઇ-વે બિલ, ટેકનોલોજીનો ઉપયોગ અને સિસ્ટમમાં લૂપ હોલ દૂર કરવા અંગે પોતાનો રિપોર્ટ આપશે. આ બંને મંત્રીના જૂથ 2 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ આપશે અને એક કે બે દિવસમાં તેમની રચના કરવામાં આવશે.

બેઠક પછી મીડિયાને સંબોધિત કરતા નાણામંત્રીએ પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવેશ કરવાની તમામ અટકળો પર સંપૂર્ણ વિરામ લગાવી દીધો છે. નાણામંત્રીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલને હાલના સમયમાં જીએસટી અંતર્ગત લાવવાનો વિચાર કરવાનો સાચે સમય નથી. રેવન્યુ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વિચાર કરવો પડશે. બેઠક દરમ્યાન આ મામલા પર ચર્ચા થઈ નથી.

(12:00 am IST)