Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

નવા લેબર કોડ મુજબ કર્મચારીઓ ૧ વર્ષ નોકરી પૂર્ણ કર્યા પછી પણ ગ્રેચ્યુઇટી ચુકવણી માટે હકદાર બનશે

ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહઃ નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

નવી દિલ્હી,તા. ૧૮: હાલ નોકરી કરતા કર્મચારીઓ માટે મોદી સરકાર રાહતના સમાચાર લઈને આવી શકે છે. આવનાર સમયમાં કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીનો નિયમ બદલાઈ શકે તેવી સંભાવનાઓ સર્જાઈ રહી છે. પ્રવર્તમાન સમયના નિયમો મુજબ કર્મચારી પાંચ વર્ષની સેવા પછી જ ગ્રેચ્યુઇટી મેળવવાનો હકદાર બની શકે છે પરંતુ, નવા લેબર કોડ પ્રમાણે આ ગ્રેચ્યુઈટીના સમયમાં ફેરફાર આવી શકે છે.

આ નવા લેબર કોડ મુજબ કર્મચારીઓ ૧ વર્ષ નોકરી પૂર્ણ કર્યા પછી પણ ગ્રેચ્યુઇટી ચુકવણી માટે હકદાર બનશે. સુત્રો તરફથી મળતા સમાચાર મુજબ ૧ ઓકટોબરના રોજ મોદી સરકાર લેબર કોડના નિયમો અંગે જાહેરાત કરી શકે છે. જો નવા લેબર કોડમા આ ગ્રેચ્યુઈટીનો પ્રસ્તાવ મંજુર થયો તો ગ્રેચ્યુઈટી માટે કર્મચારીઓએ પાંચ વર્ષ રાહ નહિ જોવી પડે. આ અંગે હજુ થોડી વધુ માહિતી મેળવીએ.

જો કોઈ કર્મચારી લાંબા સમય સુધી કોઈ કંપનીમાં કામ કરે છે તો તેને પગાર, પેન્શન અને પીએફ સિવાય ગ્રેચ્યુઈટી પણ મળે છે. તે કંપની વતી કર્મચારીને આપવામાં આવેલ ભેંટ છે. જો કોઈ કર્મચારીએ એક જ કંપનીમાં કમ સે કમ પાંચ વર્ષ કામ કર્યું હશે તો તે ગ્રેચ્યુઇટી મેળવવા માટે હકદાર છે. જો કે, કર્મચારીનું મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ગ્રેચ્યુઇટી પાંચ વર્ષ પહેલાં પણ મેળવી શકાય છે.

ગ્રેચ્યુઇટીની આ રકમ બે પરિબળો પર આધાર રાખે છે. પહેલુ પરિબળ તો એ કે, તમે કંપનીમાં કેટલા વર્ષ માટે સેવા આપી છે અને બીજુ પરિબળ એ કે, તમારો છેલ્લો પગાર કેટલો હતો? ગ્રેચ્યુઇટીની આ ગણતરી એક નિશ્ચિત સૂત્રના આધારે કરવામાં આવે છે. તેનું સૂત્ર એ છે કુલ ગ્રેચ્યુઇટી રકમ = (છેલ્લો પગાર) x (૧૫/૨૬) x (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું)

ધારો કે, એક કર્મચારીએ એક જ કંપનીમાં પાંચ વર્ષ સુધી કામ કર્યુ હોય અને તે કર્મચારીનો છેલ્લો પગાર ૨૦ હજાર રૂપિયા છે. અહીં મહિનામાં માત્ર ૨૬ દિવસ ગણાય છે કારણકે, એવું માનવામાં આવે છે કે ૪ દિવસ રજાઓના હોય છે. ગ્રેચ્યુઇટીની ગણતરી વર્ષમાં ૧૫ દિવસના આધારે કરવામાં આવે છે. આમ, તે કર્મચારીની કુલ ગ્રેચ્યુઇટી રકમ = (૨૦૦૦૦)* (૧૫/૨૬) * (૫) = ૨૦૦૦૦ * ૨.૮૮૪૬૧૫૩૮૪૬૨ = ૫૭૬૯૨ રૂપિયા થાય છે.

(10:05 am IST)