Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

નીતિન ગડકરી યુટ્યુબથી દર મહિને કરે છે ૪ લાખ રૂપિયાની કમાણી

કોરોના કાળ અંગે વાત કરતાં નીતિન ગડકરીએ કર્યો ખુલાસો :ઓનલાઈન લેકચરના વીડિયો યુટ્યુબ પર અપલોડ કરતાં મળે છે રોયલ્ટી

નવી દિલ્હી,તા. ૧૮: નીતિન ગડકરી પોતાની બેબાક વાતો કરવા માટે જાણીતા છે. હાલમાં જ તેઓએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તેઓએ હાઈવે બનાવવા માટે પોતાના સસરાનું જ ઘર બુલડોઝર વડે હટાવી દીધું હતું. હવે હાલમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો કર્યો છે કે, યુટ્યુબ પર વીડિયો અપલોડ કરીને તેમને દર મહિને ચાર લાખ રૂપિયાની કમાણી થાય છે.

ગુજરાતના ભરૂચમાં દિલ્હી-મેરઠ એકસપ્રેસના કામની સમીક્ષા દરમિયાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, યુટ્યુબ પર તેમના વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. અને તેને કારણે દર મહિને ચાર લાખ રૂપિયાની રોયલ્ટી પણ મળે છે. કોરોનાકાળમાં તેમનાં ભાષણોને અનેક લોકોએ જોયા હતા. અને તેને કારણે તેમની વ્યૂઅરશીપ વધી છે અને યુટ્યુબથી થતી કમાણીમાં પણ વધારો થયો છે.

કોરોના કાળ અંગે વાત કરતાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, કોવિડ સમયમાં મેં બે વસ્તુઓ કરી- મેં દ્યરે રસોઈ બનાવવાની શરૂઆત કરી અને વીડિયો કોન્ફરન્સ દ્વારા લેકચર આપવાની શરૂઆત કરી. મેં ઓનલાઈન ૯૫૦થી પણ વધારે લેકચર આપ્યા હતા, જેમાં વિદેશી યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓને આપેલ લેકચર પણ સામેલ છે. આ લેકચર્સને બાદમાં બાદમાં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેને કારણે મારી વ્યૂઅરશીપમાં વધારો થયો હતો અને હવે યુટ્યુબ દર મહિને ચાર લાખ રૂપિયા રોયલ્ટી ચૂકવે છે. આ ઉપરાંત નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, ભારતમાં સારું કામ કરનાર લોકોને પ્રશંસા મળતી નથી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ હરિયાણાના સોહનામાં મુંબઈ-દિલ્હી એકસપ્રેસ હાઈવેના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન થયા હતા અને મારા સસરાનું ઘર રસ્તાની વચ્ચે આવી રહ્યું હતું. મેં મારી પત્નીને જણાવ્યા વગર જ મારા સસરાના દ્યર પર બુલડોઝર ચલાવી દીધું હતું. અને રસ્તાનું કામ પૂર્ણ કર્યું હતું. આમ પોતાની વાતોની સાથે કામની સ્ટાઈલથી પણ નીતિન ગડકરીનું નામ આજે શાસક પક્ષ જ નહીં પણ વિપક્ષમાં પણ સન્માનથી લેવામાં આવે છે.

(10:08 am IST)