Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વિશ્વમાં ૭.૭ કરોડ બાળકો ૧૮ મહિના શાળાથી દૂર રહ્યા : યુનિસેફ

મહામારીના કારણે ૧૮ દેશોના ૧૧.૭ કરોડ બાળકો હજુ પણ અસરગ્રસ્ત

સંયુકત રાષ્ટ્ર તા. ૧૮ : સંયુકત રાષ્ટ્રની બાળકો પર આધારિત સંસ્થા યુનિસેફનો દાવો છે કે દુનિયાભરમાં કોરોના મહામારીના ખોફને લીધે ઓનલાઇન અભ્યાસ થવાના કારણે લગભગ ૭.૭ કરોડ બાળકો ૧૮ મહિના શાળાથી દૂર રહ્યા. આ દરમિયાન અભ્યાસ માટે યુનિસેફે પણ એક સોશ્યલ મીડિયા ચેન ચાલુ કરી હતી.

પણ લાંબા સમયથી શાળા બંધ રહેવાથી ચિંતિત યુનિસેફે શાળાઓ ફરીથી ખોલવા માટે #reopenschools કેમ્પેઇન હેઠળ આ ચેનલને ૧૮ કલાક બંધ રાખી જેથી વિશ્વના તમામ દેશો કલાસરૂમના અભ્યાસનું મહત્વ સમજીને શાળાઓ ખોલવાની દિશામાં પ્રયાસ કરે.

યુનિસેફ અનુસાર શાળાએ જઇને અભ્યાસ કરવો એ બાળકોનો એવો અધિકાર છે જે તેના વિકાસ, સુરક્ષા અને ખુશહાલી માટે બહુ જરૂરી છે. જેનાથી તેનો વિકાસ થાય છે, યુનિસેફે કહ્યું કે, રેસ્ટોરન્ટ, જીમ, સલૂન અને બજારો ખોલાઇ રહ્યા છે પણ બાળકો માટે જરૂરી શાળાઓ નથી ખોલાઇ રહી એ બહુ આશ્ચર્યની વાત છે. વિશ્વમાં ૪૧ દેશો એવા છે જ્યાં અત્યાર સુધી શાળાઓ ખોલવાના પ્રયાસ નથી કરાયા.

યુનિસેફે તાજા આંકડાઓ બહાર પાડીને જણાવ્યું કે, દુનિયામાં ૧૧૭ દેશોમાં શાળાઓ સંપૂર્ણપણે ખુલી ગઇ છે અને ૫૩:૯ કરોડ વિદ્યાર્થીઓ શાળાએ જવા લાગ્યા છે. સંપૂર્ણ વિશ્વના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના તે લગભગ ૩૫ ટકા છે.

(3:39 pm IST)