Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

તાલિબાની સરકારને જ્‍યાં સુધી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે માન્‍યતા નહીં મળે ત્‍યાં સુધી કોઇ સહાય રકમ નહીં અપાયઃ ઇન્‍ટરનેશનલ મોનેટરી ફંડના વડાની જાહેરાત

આગામી દિવસોમાં સરકાર ચલાવવા માટે તાલિબાનોને ફંડિંગનો મોટો પ્રશ્ન

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના વડાએ એક મહત્વની જાહેરાત કરીને તાલિબાની સરકારને મોટો ઝટકો આપ્યો છે. આઈએમએફે કહ્યું હતું કે તાલિબાની સરકારને જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળશે નહીં ત્યાં સુધી કોઈ જ સહાય રકમ આપવામાં નહીં આવે. એના કારણે આગામી દિવસોમાં સરકાર ચલાવવા માટે તાલિબાનોને ફંડિંગનો મોટો પ્રશ્ન થશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર રચાયા પછી તેને હજુ સુધી આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું નથી. દુનિયાભરના દેશોએ હજુ સુધી તાલિબાની સરકારને માન્યતા આપી નથી. પાકિસ્તાન અને ચીન સિવાયના કોઈ દેશો તાલિબાનનું સમર્થન કરતાં જણાતા નથી. આવી સ્થિતિમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ સહાય કરવાનો ઈનકાર કર્યો છે. અફઘાનિસ્તાનને મળનારી સહાય રાશિ રોકી દેવામાં આવી છે.

બીજી તરફ આર્થિક કટોકટી વચ્ચે અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકાર નવું સૈન્ય બનાવવાની ફિરાકમાં છે. અફઘાનિસ્તાનના નવા પ્રમુખ કરી ફેઝુહુદ્દીને જણાવ્યું હતું કે એક સત્તાવાર સૈન્ય બનાવવાની તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. એમાં અફઘાનિસ્તાનની સેનામાં કાર્યરત પૂર્વ જવાનોને પણ સામેલ કરવામાં આવશે. એક નવા ઉદેશ્ય સાથે અને દેશની રક્ષા માટે સૈન્યનું સર્જન થશે એવું તાલિબાની નેતાએ કહ્યું હતું. અફઘાનિસ્તાનની સેનામાં કાર્યરત ત્રણ લાખ સૈનિકોનો સંપર્ક કરાય એવી શક્યતા છે.

એસસીઓની બેઠકમાં ઈમરાન ખાનનો તાલિબાન પ્રેમ જોવા મળ્યો હતો. ઈમરાન ખાને પોતાનો મુદ્દો રજૂ કરતી વખતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અત્યારે સ્થિતિ બહુ જ ગંભીર છે. વિશ્વભરના દેશોએ તાલિબાન સરકારને માનવીય ધોરણે સહાય કરવી જોઈએ. પાકિસ્તાન તાલિબાનને સમર્થન આપતું રહેશે એવો સંકેત આપીને પાક. પીએમ ઈમરાન ખાને અમેરિકાની ટીકા કરી હતી. ઈમરાને કહ્યું હતું કે બહારથી કોઈ દેશને ચલાવવાનું વલણ બિલકુલ યોગ્ય નથી.

પાકિસ્તાનનું હિત અફઘાનિસ્તાન સાથે જોડાયેલું હોવાથી પાક સરકાર મદદ માટે કટિબદ્ધ છે. પાક. વડાપ્રધાનની માફક જ પાકિસ્તાનના ગૃહમંત્રીની પણ તાલિબાનની સરકારને સમર્થન આપવાની ઉતાવળ જાહેર થઈ હતી. પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રશિદ અહેમદે એક લેખમાં લખ્યું હતું કે તાલિબાનોને સરકાર ચલાવવા માટે સમય આપવો જોઈએ. જો તાલિબાનોને તક મળશે તો એ અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવી શકે તેમ છે.

દરમિયાન તાલિબાનના શિક્ષણ વિભાગે પુરુષ શિક્ષકોને શાળાએ જવાની પરવાનગી આપી હતી અને તેમને બોય્ઝ સ્કૂલ ચલાવવાનું જણાવ્યું હતું. જોકે, હજુ સુધી વિદ્યાર્થિનીઓને શાળાએ જવાની પરવાનગી આપવામાં આવી નથી.

(6:07 pm IST)