Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગુજરાત સહિત તમામ રાજ્‍યોએ પેટ્રોલ-ડિઝલ તથા ગેસને જીએસટીમાં લાવવા સામે વિરોધ કર્યોઃ સ્‍વીગી-ઝોમેટો ઉપર પાંચ ટકા ટેક્‍સ વસુલાશે

પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવી દેવાય તો રાજ્‍યોની આવકમાં મોટા ગાબડા પડે

નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલની લખનઉ ખાતે યોજાયેલી બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ જેવા કે સ્વિગી અને ઝોમેટોને પણ જીએસટીમાં લાવી દીધા છે. હવે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરનારા ગ્રાહકો પાસેથી સ્વિગી અને ઝોમેટો પાંચ ટકા ટેક્સ વસૂલશે. જો કે આના લીધે ગ્રાહક પર કોઈપણ પ્રકારનો વેરો વધ્યો નથી.

તે ઓનલાઇન ઓર્ડર માટે જે રકમ ચૂકવે છે તેમા પણ કોઈ ફેર નહી પડે. પણ આ રકમ પહેલા રેસ્ટોરા લઈ જતી હતી તેના બદલે ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ એપ વસૂલશે. રેસ્ટોરાઓ પાંચ ટકા વેરો પણ સરકારમાંં જમા કરાવતી ન હતી તેથી આ જવાબદારી હવે સ્વિગી ઝોમેટો જેવી ઓનલાઇન એપ પર આવી છે.

જીએસટી અંગેના આ નિર્ણયને લીધે રેસ્ટોરાઓ દ્વારા કરવામાં આવતી કરચોરી અંકુશમાં આવશે અને સરકારની આવક વધશે. આમ અહીં ક્યાં વધારાનો વેરો નથી. વેરો છે એટલો જ છે પરંતુ તે રેસ્ટોરાના બદલે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ વસૂલશે. જો કે રેસ્ટોરામાં બહાર જમવા જાવ ત્યારે તો પાંચ ટકા વેરો ચૂકવવો પડે છે તે તો ત્યારે ચૂકવવો જ પડશે.

નાણાપ્રધાન સીતારામને જણાવ્યું હતું કે કેરળ હાઇકોર્ટે ચુકાદાના લીધે તેઓએ પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવા અંગે વિચાર કરવો પડયો હતો, પરંતુ હાલમાં તેને જીએસટીમાં લાવી શકાય તેવા સંજોગો નથી. તેથી તેને બહાર જ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધવાના શરૂ થયા છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ વધે તેમ માનવામાં આવે છે.

ગુજરાતના જીએસટી કમિશનરે જે.પી. ગુપ્તાએ આજની બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલની આજે નાણાં મંત્રી નિર્મલા સીતારામનના વડપણ હેઠળ મળેલી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ તથા ગેસને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરામાં લાવવાની બાબતે થયેલી ચર્ચામાં ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. જીએસટીને વેટના દાયરામાં જ રાખવાની રજૂઆત કરી હતી. ગુજરાતની પેટ્રોલ, ડીઝલ તથા કુદરતી ગેસના વેચાણ થકી વરસેદહાડે અંદાજે વેટની આવક 26000 કરોડ રૂપિયાની થાય છે. જો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવી દેવામાં આવે તો રાજ્યોની આવકમાં મોટાં ગાબડાં પડી શકે છે.

જીએસટીમાં લેવામાં આવે તો તેના પરના ટેક્સના દર કદાચ ઓછા થઈ જાય તો રાજ્યની આવકમાં જંગી ઘટાડો થઈ જાય તેમ હોવાથી અને 2022ના વર્ષ પૂરૂં થય પછી કોમ્પેન્સેશન આપવાનું બંધ કરવાનું હોવાથી ગુજરાત સહિતના રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ તથા ગેસને જીએસટીના દાયરામાં લાવવાની ધરાર ના પાડી દીધી છે. પરિણામે જીએસટી લાગુ કરતાં પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થશે તેવી અપેક્ષા અત્યાર પૂરતી તો પ્રજાજનોએ છોડી દેવી પડશે.

તેમણે કહ્યું હતું કે પહેલી જુલાઈ 2017 અમલમાં આવેલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સિસ્યટમાં દરેક રાજ્યોને તેમની વાર્ષિક આવકમાં 14 ટકાનો વધારો કરીને તેમાં પડતી ઘટનું વળતર આપવા કેન્દ્ર સરકાર કાયદેસર બંધાઈ હતી. આ વળતર આપવાનું 2022 છેલ્લું વર્ષ છે. આ વળતર 2022 પછી ન મળે તો રાજ્ય સરકારોની હાલત ખરાબ થવાની શક્યતા રહેલી છે.

આ સ્થિતિમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરનું પુનરવલોકન કરીને તેમાં ફેરફાર કરવા અંગે ભલામણ કરવા માટે ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની બે અલગ અલગ સમિતીની રચના કરવામાં આવી છે. તેમાંથી પહેલી કમિટી જીએસટીના દરનું પુનરવલોકન કરીને તે નવેસરથી નક્કી કરવાને મુદ્દે ચર્ચા વિચારણા કરશે. બીજી કમિટી પહેલી કમિટીની ભલામણોને અમલ કઈ રીતે કરવો તે અંગે નિર્ણય કરશે. આ કમિટીમાં જુદાં જુદાં ખાતાના મંત્રીઓને મૂકવામાં આવ્યા છે.

(6:13 pm IST)