Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને સળગાવી દેવાયો

મધ્યપ્રદેશમાં હૃદય કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો : ગર્લફ્રેન્ડ પણ લગભગ ૪૦ ટકા દાઝી ગયેલી મળી આવી, યુવતીના પરિવાર પર આરોપ, પોલીસે તપાસ હાથ ધરી

ભોપાલ, તા.૧૮ : મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક હૃદય કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોતાની પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને અડધી રાત્રે પેટ્રોલ નાખીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ગર્લફ્રેન્ડ પણ લગભગ ૪૦ ટકા દાઝી ગયેલી મળી આવી હતી. ઘટનાને પગલે યુવતીના પરિવાર પર ગંભીર આરોપ લાગ્યા છે. હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મામલો સાગરના નારાયવલી પોલીસ સ્ટેશન હેઠળના લહેરિયા સેમરા ગામનો છે. ઘટના ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રિએ બની હતી. ૨૫ વર્ષીય રાહુલ યાદવને છોકરીના પિતા અને અન્ય સંબંધીઓએ કથિત રીતે પેટ્રોલ નાખીને આગ લગાવી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આખો દિવસ તણાવ રહ્યો હતો. મૃતકના સંબંધીઓએ ઘટનાને અંજામ આપનાર ગુનેગારોનું ઘર તોડી પાડવાની માંગ સાથે ચક્કાજામ પણ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, રાહુલ ગામના રહેવાસી ચંચલ શર્મા નામની છોકરી સાથે પ્રેમમાં હતો. યુવતીના પરિવારના સભ્યો સંબંધની વિરુદ્ધ હતા. આશરે મહિના પહેલા યુવતીના પરિવારે જબલપુર જિલ્લામાં તેના લગ્ન કરાવ્યા હતા, પરંતુ લગ્ન કર્યા બાદ પણ તેમનો પ્રેમ ઓછો થયો નથી. જ્યારે છોકરી તેના સાસરિયાના ઘરેથી સેમરા લહરીયા પરત આવી ત્યારે બંને વચ્ચે ફરી મુલાકાત શરૂ થઈ. રાહુલ સાગરમાં ફળોની દુકાનમાં કામ કરતો હતો. ગુરુવારે રાત્રે જ્યારે મૃતક તેની ગર્લફ્રેન્ડને મળવા ગામ પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યોની નજર તેના પર પડી. પછી પરિવારજનોએ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે યુવતીના પરિવારના સભ્યોની અટકાયત કરી છે.

કેસમાં સાગર એસપી અતુલ સિંહનું કહેવું છે કે ઘટનાની જાણ ગત રાત્રે ૧૦૦ ડાયલ પર કરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી રાહુલ યાદવ નામના યુવકની લાશ સળગી ગયેલી હાલતમાં મળી હતી. સાથે યુવતી કેટલીક દાઝી ગયેલી હાલતમાં મળી આવી હતી. મૃત્યુ પહેલાં, યુવકે કહ્યું છે કે છોકરીના પરિવારના સભ્યોએ તેને સળગાવી દીધો હતો. જો કે, મહિલાએ પોલીસને જણાવ્યું કે યુવક તેને સળગાવવા આવ્યો હતો. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

(7:27 pm IST)