Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પ્રેમી સાથે ભાગેલી યુવતીના અપહરણની ફરિયાદ નોંધાઈ

મા-બાપે સ્ટોરી ઊભી કરતા પોલીસ ધંધે લાગી ગઈ : છોકરીના પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસ એક્સનમાં આવતાં યુવતી ગોંડા જિલ્લામાંથી મળી આવી

ગ્રેટર નોઈડા, તા.૧૮ : દિલ્હી નજીકના નોઈડામાં બીએસસીમાં ભણતી ૨૧ વર્ષની યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી ગયા બાદ પાડોશીઓથી વાત છૂપાવવા માટે તેના મા-બાપે ઉભી કરેલી સ્ટોરીથી પોલીસ પણ જોરદાર ધંધે લાગી ગઈ હતી.

છોકરીના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તે પોતાની બહેન સાથે મોર્નિંગ વોક પર ગઈ હતી ત્યારે ગુરુવારે સવારે તેનું અજાણ્યા લોકોએ અપહરણ કર્યું હતું. જોકે, યુવતી પોલીસને શુક્રવારે નોઈડાથી ૬૦૦ કિમી દૂર આવેલા યુપીના ગોંડા જિલ્લામાંથી મળી આવી હતી.

છોકરી પોલીસને હાથ લાગી ત્યારે તેની પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી ગઈ હતી કે તેનું કોઈ અપહરણ નથી થયું, અને તેના માતાપિતાએ ખોટી ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જોકે, તેના પરિવારજનોએ પોલીસને ગેરમાર્ગે દોરીને ગુરુવારે સવારે તેનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ગુરુવારે નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે તે પોતાની બહેન સાથે મોર્નિંગ વોક કરી રહી હતી ત્યારે ગાડીમાં આવેલા ત્રણ શખશોએ તેની બહેનને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ તેનો પ્રતિકાર કરતાં અપહરણકારો તેની બહેનને પડતી મૂકી તેને ગાડીમાં ઉઠાવી ગયા હતા. ફરિયાદ અનુસાર, અપહરણની ઘટના મારીપત રેલવે સ્ટેશન નજીક બની હતી. જોકે, પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, છોકરી તો બુધવારે પોતાની મેળે ગોંડા જવા નીકળી ગઈ હતી. તેણે ઘરેથી નીકળતા પહેલા સાંજે સાડા વાગ્યે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

યુવતીને સોશિયલ મીડિયા મારફતે બે વર્ષ પહેલા ગોંડાના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. તેની સાથે મળીને તેણે ઘરેથી ભાગવાની યોજના બનાવી હતી. બુધવારે તે ઘરેથી ગાયબ થઈ ગઈ ત્યારે પાડોશીઓને અંગે જાણ થશે તો પોતાની આબરુંના ધજાગરા થશે તેવા ડરે તેના માતાપિતાએ તેનું અપહરણ થયું હોવાની વાત ફેલાવીને ખોટી ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.

પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ચેક કરતાં છોકરીની બહેન અને ભાઈઓ ત્યાં જોવા મળ્યા હતા, પરંતુ તે તેમાંથી ગાયબ હતી. પોલીસે અંગે પૂછતા તેની બહેને એવો જવાબ આપ્યો હતો કે તેની તબિયત સારી ના હોવાથી તે પાછળ ચાલી રહી હતી. બીજી તરફ, છોકરીનું અપહરણ થયું છે તેવી વાત ફેલાતા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઈવે બ્લોક કરી દીધો હતો.

આખરે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં છોકરી ક્યાં છે તેનો પત્તો લગાવીને તેને શોધી કાઢી હતી. છોકરી સહી-સલામત મળી આવ્યા બાદ હવે તેના પરિવારજનો પર ખોટી ફરિયાદ કરવાના જ્યારે ગામના લોકો પર હાઈવે બ્લોક કરવાના ગુનામાં કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરાઈ રહી છે.

(7:28 pm IST)