Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

'હલ્દીરામ'ના સર્વર પર સાયબર એટેક ; હેકર્સે માંગ્યા રૂ. 7.5 લાખ

દેશની પ્રખ્યાત ફૂડ અને પેકેજિંગ કંપની હલ્દીરામના સર્વર ઉપર રેન્સમવેર એટેક

નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં હેકરો બેફામ બન્યા છે અને સાયબર એટેકની ઘટનાઓ ઘણી વધી ગઇ છે. આ વખતે દેશની પ્રખ્યાત ફૂડ અને પેકેજિંગ કંપની હલ્દીરામના સર્વર ઉપર સાયબર એટેક થયો છે. જેમાં હેકરે એક વાયરસ મારફતે હલ્દીરામના સર્વરના ડેટા લોક કરી દીધા છે અને તે ડેટા સિસ્ટમમાંથી ડિલિટ થયેલા દેખાય છે. આ ડેટા રિકવરી માટે હેકર્સે કંપની પાસેથી 7.50 લાખ રૂપિયાની માંગણી કરી છે.નોઇડાના સાયબર સેલે તપાસ કરતા જાણવા મળ્યુ કે, હલ્દીરામના સર્વર ઉપર રેન્સમવેર એટેક થયો છે.

કંપનીએ અગાઉ પોતાની આંતરિક તપાસ કરાવીને સિસ્ટમ રિપેર કરાવી. ત્યારબાદ નોઇડાના સાયબર સેલમાં ફરિયાદ કરી. હાલ પોલીસ અને સાયબર સેલ બંને આ કેસની તપાસ કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ હલ્દીરામની નોઇડાના સેક્ટર-62ના સી-બ્લોકમાં કોર્પોરેટ ઓફિસ આવે છે. અહીંયાથી કંપનીનું આઇટી વિભાગ સંચાલિત થાય છે.હલ્દીરામ કંપનીના ડીજીએમ આઇટી અજીત ખાને પોલીસને જણાવ્યુ કે, 12 અને 13 ઓક્ટોબરની રાતે લગભગ દોઢ વાગ્યે કોર્પોરેટ ઓફિસના સર્વર પર સાયબર એટેક થયો. આ એટેકને કારણે કંપનીના માર્કેટિંગ બિઝનેસથી લઇને અન્ય વિભાગના ડેટા ડિલિટ થયા અને ઘણા વિભાગોના ડેટા ડિલિટ પણ કરી દેવામાં આવ્યા. દાખલ કરાયેલી ફરિયાદ મુજબ કંપનીની ઘણી મહત્વપૂર્ણ ફાઇલો સર્વરમાંથી ગાયબ થઇ ગઇ છે.

 

કંપનીના સર્વર પર સાયબર એટેક થયો હોવાની માહિતી ઉચ્ચ અધિકારીઓને થઇ તો પહેલા ઇન્ટરનલ ચેકિંગ કરવામાં આવ્યુ. ત્યારબાદ કંપની અધિકારીઓ અને સાયબર એટેક કરનાર હેકર્સની વચ્ચે ચેટિંગ થયુ, તો સાયબર હેકર્સે કંપની પાસેથી 7.5 લાખ રૂપિયાની માંગણી કરી. કંપનીના ડીજીએમ આઇટી અજીત ખાને આ મામલે પોલીસ ફરિયાદ કરી અને હાલ તેની તપાસ ચાલી રહી છે.

 

સાયબર સેલ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે રાત્રે લગભગ દોઢ વાગે કંપની મેનેજમેન્ટને કંઇક ગરબડ થયા માહિતી મળી. ત્યારબાદ કંપનીના આઇટી એન્જિનિયર દોડતા થઇ ગયા. સાયબર એટેક સર્વર ઉપર થયો હતો આથી એક સિસ્ટમથી બીજી સિસ્ટમ સુધી પહોંચવામાં વાર ન લાગી. એન્જિનિયરોએ સર્વર કનેક્શન પણ કટ કર્યુ પરંતુ ત્યાં સુધી હેકર્સે એક આઇપી એડ્રેસ મારફતે તમામ કોમ્પ્યુટરની સ્કીન પર લખી દીધુ કે, આ રેન્સમવેર એટેક છે, ત્યારબાદ તેણે રૂપિયાની માંગણી કરી.

(12:00 am IST)