Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

આઇએસ-કેના આતંકીઓની નજર હવે ભારત ઉપર

ગુજરાત સહિતના કેટલાક રાજ્યોના જંગલોમાં આતંકી સંગઠનો ટ્રેનિંગ કેમ્પ બનાવવા માગતા હોવાનો ધડાકો આતંકીઓએ પોતાના કેમ્પ માટે ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રના જંગલોને પસંદ કર્યા : આઇએસનો આ પ્લાનનો અમલ થાય તે પહેલા જ અનેક આતંકીઓની ધરપકડ

નવી દિલ્હી  : અફઘાનિસ્તાનમાં સક્રિય ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાન એટલે કે આઇએસ-કેના આતંકીઓની નજર હવે ભારત પર છે. ભારતમાં ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં આ આતંકી સંગઠનો પોતાના ટ્રેનિંગ કેમ્પ બનાવવા માગતા હોવાનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. -સિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ રિપોર્ટના પગલે એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

એનઆઇએ દ્વારા હાલમા થયેલી ધરપકડો બાદ આ વિગતો બહાર આવી છે. ગયા મહિને બેંગાલુરૂમાંથી આઇએસના મામલામાં દાખલ એક ચાર્જશીટમાં એનઆઇએ એ ભારતમાં પણ કેમ્પો આતંકીઓ શરૂ કરવા માગતા હોવાનો ખુલાસો કર્યો છે. જોકે એનઆઇએએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આઇએસનો આ પ્લાન માત્ર કાગળ પર જ સિમિત છે. તેનો અમલ થાય તે પહેલા જ અનેક આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

એનઆઇએના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આઇએસના આતંકીઓએ પોતાના કેમ્પ માટે ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રના જંગલોને પસંદ કર્યા છે. જોકે તેનું કારણ પુરી રીતે સ્પષ્ટ નથી થઇ શક્યું. અલ હિંદ નામથી ભારતમાં સક્રિય આઇએસના ધરપકડ કરાયેલા આતંકીઓ અનુસાર બંગાળના વર્ધમાન, ગુજરાતના જમ્બુસર, મહારાષ્ટ્રના રત્નાગિરીના જંગલોને આ માટે પસંદ કરાયા હતા.

(11:38 am IST)