Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

આડેધડ પાર્કિંગ સામે તંત્રએ પાર્કિંગ પોલીસી બનાવી

રાજકોટમાં રોડ પર વાહન રાખવા પાર્કિંગ ચાર્જ ચૂકવવા તૈયાર રહેજો

બુધવારે સ્ટેન્ડીંગ કમિટિમાં લેવાશે નિર્ણય : કુલ ૪૦ જેટલા દરખાસ્તોનો નિર્ણય થશે

રાજકોટ તા. ૧૮ : શહેરમાં આડેધડ વાહન પાર્કિંગની સમસ્યા હળવી બનાવવા મ.ન.પા. દ્વારા ખાસ પાર્કિંગ પોલીસી બનાવાઇ છે. જેનો સૈધ્ધાંતિક નિર્ણય લેવા માટે આગામી તા. ૨૦ને બુધવારે યોજાનાર સ્ટેન્ડીંગ કમિટિમાં મ્યુ. કમિશનરશ્રીએ દરખાસ્ત મુકી છે.

આ દરખાસ્ત મુજબ શહેરના ૪૮ રાજમાર્ગો જેવા કે યાજ્ઞીક રોડ, કેનાલ રોડ, ૧૫૦ રીંગ રોડ, ઢેબર રોડ, સાંગણવા ચોક વગેરે જેવા વિસ્તારો આસપાસ ખાસ પાર્કિંગ ઝોન બનાવી તેમાં કોઇપણ વાહન જેમકે ફોર વ્હીલર, ટુ-વ્હીલર, થ્રી વ્હીલ, બસ, હેવી વ્હીકલ વગેરે રાખવા માટે પાર્કિંગ પરમીશન ચાર્જ વસુલવામાં આવશે. આ માટે રેસીડન્સ ઝોન અને વર્ક ઝોન એમ બે કેટેગરીમાં ઝોન વાડી પાર્કિંગ પરમીશન ચાર્જની નિતી નક્કી થશે.

જેમાં રેસીડન્સ ઝોન એટલે કે કોઇના ઘર પાસે નાની શેરી હોય ત્યાં વાહન ન રહી શકે તેમ હોય તો નજીકના વિસ્તારમાં નક્કી કરેલ પાર્કિંગ ઝોનમાં ચાર્જ ચૂકવી રાખી શકાશે. આમ, હવે રસ્તા પર આડેધડ પાર્કિંગ કરનારને બદલે તંત્રએ નક્કી કરેલા

પાર્કિંગ ઝોનમાં જ વાહન રાખવા પડશે અને તેનો ચાર્જ ચૂકવવો પડશે.

પાર્કિંગ સેલ બનાવવું પડશે

પાર્કિંગ પરમિશન ચાર્જ વસુલવા અને આડેધડ વાહન પાર્ક કરનારને દંડ કરવા ખાસ 'પાર્કિંગ સેલ'ની રચના કરવી પડશે.

સરકારની મંજુરી લેવી પડશે

જો કે પાર્કિંગ પરમીશન ચાર્જની હજુ પોલીસી જ નક્કી થઇ છે અને તેને સ્ટેન્ડીંગ કમિટિ મંજુર કરે ત્યાર બાદ જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજુર કરે પછી રાજ્ય સરકારની મંજુરી લેવી પડે અને ત્યારબાદ સ્ટેન્ડીંગ કમિટિમાં તેના ચાર્જ નક્કી કરી આ પોલીસીનો અમલ થઇ શકશે.

(3:28 pm IST)