Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

તો હવે આ લોકો જ રેશનકાર્ડથી અનાજ લઇ શકશે : નિયમોમાં થશે બદલાવ

નવી દિલ્હી તા.૧૮ : રાશન કાર્ડથી જોડાયેલા નિયમોમાં હવે મોટા બદલાવ થવા જઇ રહ્યાં છે. અલગ અલગ ક્ષેત્રમાંથી ફરિયાદ આવતી હતી કે અપાત્ર લોકો પણ રાશન લઇ રહ્યાં છે ત્યારે નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કહ્યાં અનુસાર, દેશભરમાં ૮૦ કરોડ લોકો નેશનલ ફૂડ સિકયોરીટી એકટનો લાભ ઉઠાવી રહ્યાં છે. તેમાં ઘણા લોકો એવા પણ છે કે આર્થિક રૂપથી સંપન્ન છે. તેને ધ્યાનમાં રાખીને નિયમોમાં બદલાવ થવા જઇ રહ્યો છે. આ નિયમોને પારદર્શી બનાશે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સુંધાશુંએ કહ્યું કે, રાજયો સાથે છેલ્લા ૬ મહિનાથી બેઠક કરવામાં આવી રહી છે. રાજયો દ્વારા આપવામાં આવેલ સજેશન દ્વારા નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જલ્દી જ ફાઇનલ કરી દેવામાં આવશે. આ નિયમો બાદ માત્ર જે આ નિયમો હેઠળ આવશે તેને જ અનાજ મળશે.

વન નેશન, વન રાશનકાર્ડ યોજના સમગ્ર દેશમાં લાગુ થયા બાદ કોઇ પણ કાર્ડધારક રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કોઇ પણ રાજયની રેશનિંગની દુકાનથી પોતાનું રેશન ખરીદી શકશે. ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે રેશન કાર્ડ પોર્ટેબિલિટીના લક્ષ્યને હાંસલ કરવા આ જરૂરી છે કે વિવિધ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશો જે રેશનકાર્ડ ઈશ્યૂ કરે તે તમામ એક સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં હોય તે જરૂરી છે. એટલા માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશન જારી કરવા માટે રેશનકાર્ડનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.

(3:38 pm IST)