Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ભારત સરકારે હજુ સુધી કૃષિ કાયદા મુદ્દે કોઇ વાત કરી નથીઃ કૃષિ કાયદા-લખીમપુર ખીરી ઘટનાના સહિતના મુદ્દે કૃષિ નેતા રાકેશ ટિકૈટની આગેવાનીમાં રેલ રોકો આંદોલન

અમૃતસરના દેવી દાસપુરા ગામમાં ખેડૂતો રેલ્‍વે ટ્રેક ઉપર બેસી ગયા

નવી દિલ્હી: ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સંયુક્ત કિસાન મોર્ચાએ આજે દેશભરમાં રેલ રોકો આંદોલનનું આહવાન કર્યુ છે. દેશભરમાં સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી રેલ-પાટા પર ધરણા પ્રદર્શન કરી ટ્રેન રોકવામાં આવી રહી છે. ખેડૂત નેતાએ કહ્યુ કે ત્રણ કૃષિ કાયદાને રદ કરવા, એમએસપી પર પાકની ખરીદીની ગેરંટીને કાયદો બનાવવા અને લખીમપુર ખીરી હત્યાકાંડમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની ધરપકડની માંગને લઇને રેલ રોકો આંદોલન બોલાવવામાં આવી રહ્યુ છે. જેને સફળ બનાવવા માટે તમામ જગ્યાઓ પર ખેડૂત આગળ આવે.

રેલ રોકો આંદોલનને ધ્યાનમાં રાખી રેલ્વે એલર્ટ પર

આંદોલનને કારણે રેલ્વે મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને નોર્થન રેલ્વે વિસ્તારમાં તેની અસર જોવા મળી શકે છે. રેલ્વે અનુસાર, રેલ સંપત્તિને નુકસાનથી બચાવવા માટે આરપીએફને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

હરિયાણામાં બહાદુરગઢમાં પ્રદર્શનકારી રેલ્વે ટ્રેક પર બેઠા

સંયુક્ત કિસાન મોર્ચાના રેલ રોકો આંદોલનના આહવાનને ધ્યાનમાં રાખતા સોનીપત જંક્શન રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યો છે. હરિયાણાના બહાદુરગઢમાં પ્રદર્શનકારી રેલ્વે ટ્રેક પર બેઠા હતા.

રાકેશ ટિકૈટનું નિવેદન

ખેડૂત સંગઠનોના રેલ રોકો આંદોલન પર રાકેશ ટિકૈતે કહ્યુ, ‘આ અલગ-અલગ જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ થશે. આખા દેશમાં ત્યાના લોકોને ખબર રહે છે કે આપણે ક્યા ટ્રેન રોકવાની છે. ભારત સરકારે હજુ સુધી અમારી સાથે કોઇ વાત કરી નથી.

અમૃતસરમાં પ્રદર્શનકારી ખેડૂત રેલ્વે ટ્રેક પર ધરણા પર બેઠા

ખેડૂત સંગઠનના રેલ રોકો આંદોલનના આહવાન બાદ અમૃતસરના દેવી દાસપુરા ગામમાં પ્રદર્શનકારી ખેડૂત રેલ્વે ટ્રેક પર ધરણા પર બેસી ગયા છે.

લખનઉંમાં કલમ-144 લાગુ

લખનઉં પોલીસે કહ્યુ, ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા રેલ રોકો આંદોલનમાં ભાગ લેનારા લોકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. જિલ્લામાં સીઆરપીસીની કલમ-144 લગાવવામાં આવી છે, જો કોઇ સામાન્ય સ્થિતિને નુકસાન પહોચાડવાનો પ્રયાસ કરશે તો તેની ઉપર NSA લગાવવામાં આવશે.

(5:33 pm IST)