Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

દિવાળીના તહેવારમાં રેલવે વિભાગે હજુ સ્પેશ્યલ ટ્રેનો અંગે જાહેરાત ન કરતા પ્રવાસીઓ અવઢવમાં

તહેવાર માટે સ્પેશ્યલ ટ્રેનના સંચાલન અંગે કોઈ સ્પષ્ટતા નહીં થતા પ્રવાસીઓ અટવાયા

નવી દિલ્હી :  દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેથી દિવાળીની રજા માળવા માટે લોકો પોતાના વતન રવાના થતા હોય છે. જે માટે રેલવે વિભાગ પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન પણ કરતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી તહેવારોને લઈને સ્પેશ્યલ ટ્રેનના સંચાલન અંગે જાહેરાત ન કરાતાં પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા છે.

આ વર્ષે તહેવાર માટે સ્પેશ્યલ ટ્રેનના સંચાલન અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. જેના કારણે પ્રવાસીઓ અટવાયા છે. આ દિવસો દરમિયાન દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે.

નવભારત ટુર્સના સંચાલકે જણાવ્યું છે કે, પાછલાં વર્ષોના અનુભવને આધારે સ્પેશ્યલ ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ થતાની સાથે જ ગણતરીના દિવસોમાં બુકિંગ થઇ જતું હોય છે. મોટા રૂટ પર હાલ ફ્લાઈટના ભાવ પણ વધુ જોવા મળી રહ્યા છે, તેવામાં એક માત્ર રેલવે સામાન્ય જનતા માટે પરવડે એવું માધ્યમ છે. એક તરફ ફ્લાઈટમાં 100% કેપિસીટી સાથે ઉડાનનું સંચાલન કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. તો ટ્રેનમાં હજુ સુધી મર્યાદાઓ કેમ રાખવામાં આવી છે? હાલ કેટલીક ટ્રેનો બંધ છે. જેના કોચ પણ જે છે તે જ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. જો તે કોચનો ઉપયોગ કરવામાં આવે તો રેલવેને ફાયદો થઈ શકે છે.

(7:02 pm IST)