Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ભારતે ઈઝરાયેલના હેરોન ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો

લદાખ મોરચે ચીન સાથે તણાવ જારી, સેના સચેત : હેરોન ડ્રોન ૩૦૦૦૦ ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે અને ડ્રોન ૨૦૦ કિલોમીટર દુર સુધી નજર દોડાવી શકે છે

લદાખ, તા.૧૮ : લદ્દાખ મોરચે ચીન સાથે ચાલી રહેલા ટેન્શન વચ્ચે હવે ભારતીય સેનાએ સરહદની સ્થિતિ પર નજર રાખવા માટે ઈઝરાયેલના ડ્રોન હેરોનનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ભારતીય સેનાને હવે આ ડ્રોન સુપરત કરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ ડ્રોનનો ઉપયોગ આર્ટિલરીની મદદ માટે થતો હતો. તેની મદદથી દુશ્મન ક્યાં છે તે લોકેટ કરીને આર્ટિલરી ફાયરિંગ કરવામાં આવતુ હતુ. જોકે હવે આ ડ્રોન આર્મીને સુપરત કરવામાં આવ્યા છે. હેરોન ડ્રોન ૩૦૦૦૦ ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે અને તે સતત ૩૦ કલાક સુધી ઉડી શકે છે. આ ડ્રોન ૨૦૦ કિલોમીટર દુર સુધી નજર દોડાવી શકે છે. હેરોન ડ્રોન થકી ચીનની હરકત પર નજર રખાઈ રહી છે. આ ડ્રોન કોઈ પણ પ્રકારના હવામાનમાં લાઈવ ફીડ મોકલી શકે છે. જેના કારણે ભારતીય સેનાની ચીન પર નજર રાખવાની ક્ષમતા વધી છે.

(7:31 pm IST)