Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

આગ્રામાં પોલીસ મથકની તિજોરી તોડી ૨૫ લાખની ચોરી

તસ્કરોએ પોલીસ મથકને જ નિશાન બનાવ્યું : ચોરીની શરમજનક ઘટના બાદ પોલીસ મથકના ઈન્સેપક્ટર સહિત ૬ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરાયા

આગ્રા, તા.૧૮ : ઘરો અને દુકાનોમાં તો તસ્કરો ચોરી કરતા હોય છે પણ યુપીના આગ્રામાં તો ચોરોએ પોલીસ મથકમાં જ ચોરી કરીને પોલીસની આબરૂના ધજાગરા કરી નાંખ્યા છે. મળતી વિગતો પ્રમાણે આગ્રામાં પોલીસ મથકની તિજોરી તોડીને તસ્કરો ૨૫ લાખની મત્તાની સાફસૂફી કરી ગયા છે. પોલીસ મથકમાં જ ચોરીની શરમજનક ઘટના બાદ ઉપરી અધિકારીઓએ પોલીસ મથકના ઈન્સેપક્ટર સહિત ૬ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે.

પોલસી મથકમાં સવારે નવ વાગ્યે પોલીસ કોન્સ્ટેબલ ડ્યુટી પર પહોંચ્યા ત્યારે તેમણે તિજારોમાં સામાન અસ્તવ્યસ્ત જોયો હતો. એ પછી બોક્સ ખોલ્યુ તો તેમાંથી ૨૫ લાખની મત્તા ગાયબ હતી. તિજોરીની પાછળના દરવાજા અ્ને બારીઓ તુટેલી હાલતમાં હતા એટલો કોઈ અહીંથી તિજોરી જે રૂમમાં મુકી છે ત્યાં પ્રવેશ્યુ હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. આ મામલામાં હાલમાં અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે પણ કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. જે ૨૫ લાખ રૂપિયાની મત્તા ચોરાઈ હતી તે ચોરીની એક ઘટનામાં પકડાયેલા આરોપી પાસે રિકવર કરવામાં આવ્યા હતા. આ રકમને તિજોરીમાં મુકવામાં આવી હતી.

(7:32 pm IST)