Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ભારતી-હર્ષને ૩ દિવસની જેલ તો આર્યનનો જેલવાસ લાંબો કેમ ?

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનના જેલવાસ પર ભારે વિવાદ : કોમેડિયનના વકીલે દંપત્તીને આર્યન કરતા વધુ ડ્રગ્સ હોવા છતાં કઈ રીતે જામીન અપાવ્યા એ બાબતનો ખુલાસો કર્યો

મુંબઈ, તા.૧૮ : મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ દરોડા પાડ્યા હતા. કથિત રીતે અહીં રેવ પાર્ટી ચાલતી હતી અને આ પાર્ટીમાંથી જ શાહરૂખ ખાનના દીકરા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળી આવ્યા નથી તેમ છતાં તેના પર નિયમિત ડ્રગ્સ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ત્યારે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના વકીલ અયાઝ ખાને આર્યન ખાનના કેસ પર પ્રતિક્રિયા આપી છે. સાથે જ ડ્રગ્સ કેસમાં પકડાયેલા ભારતી અને હર્ષને છોડાવા માટે તેમની રણનીતિ શું હતી તે અંગે વાત કરી છે.

અયાઝ ખાને જણાવ્યું કે, તેમના અસીલ ભારતી અને હર્ષ પાસે વધારે માત્રામાં ડ્રગ્સ હતા તેમ છતાં તેઓ ગણતરીના દિવસોમાં તેમને જેલમાંથી છોડાવામાં સફળ રહ્યા હતા. અયાઝે ભારતી અને હર્ષને છોડાવા માટે ઉપયોગમાં લીધેલી રણનીતિ વિશે વાત કરતાં જણાવ્યું, ભારતી અને હર્ષના કેસમાં એનસીબીને તેમના ઘર અને ઓફિસમાંથી ૮૦ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યા હતા. આ જથ્થો આર્યન ખાનના ફ્રેન્ડ અરબાઝ મર્ચન્ટ પાસેથી મળી આવેલા ૬ ગ્રામ ડ્રગ્સ કરતાં ઘણો વધારે છે. મેં તેમના કેસમાં એ વાતનું ધ્યાન રાખ્યું કે તેમને વધુ સમય સુધી એનસીબીની કસ્ટડીમાં રહેવા ના દીધા.

રવિવારે ભારતી અને હર્ષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને મેં તરત જ તેમની જેલ કસ્ટડી માટે અરજી કરી હતી. એનસીબીબીબંનેને પોતાની કસ્ટડીમાં રાખવા માગતી હતી પણ મેં એમ થવા ના દીધું. તેઓ ભારતી નહીં પણ હર્ષની કસ્ટડી મેળવવા પર વધુ ભાર આપી રહ્યા હતા. હર્ષની પૂછપરછ કરીને તેઓ ઘણું કઢાવી શક્યા હોત, તેથી જ મેં પહેલા દિવસે જ તેમને જેલમાં મોકલવાની માગ કરી જેથી તેઓ એનસીબીની કસ્ટડીમાં ના રહે. જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાથી બીજા દિવસે તેમના જામીન મેળવવા સરળ થઈ ગયા હતા. હવે તેમનો કેસ પેન્ડિંગ છે, તેમ અયાઝ ખાને ઉમેર્યું.

આ રણનીતિ પસંદ કરવાનું કારણ જણાવતાં વકીલ અયાઝ ખાને આગળ કહ્યું, *હું તેમને એનસીબીની કસ્ટડીમાં રહેવા દેવા નહોતો માગતો કારણકે પૂછપરછ દરમિયાન કયા એંગલ બહાર આવે કોઈ નથી જાણતું. બની શકે કે તમારી સામે ખોટા પુરાવા ઊભા કરવામાં આવે, કોઈક વાર નકલી પુરાવા મૂકવામાં આવે, ઘણીવાર તમારા નિવેદનો મુશ્કેલીમાં મૂકી શકે. સાચું કે ખોટું માત્ર ટ્રાયલ ચાલે પછી જ ખબર પડી શકે છે.

મહત્વનું છે કે, આર્યન ખાન ૬ દિવસ સુધી એનસીબીબીની કસ્ટડીમાં રહ્યો હતો અને આ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવી હતી. અયાઝ ખાન એ જ વકીલ છે જેઓ એક્ટર ફરદીન ખાનનો ડ્રગ્સ કેસ લડ્યા હતા.

જણાવી દઈએ કે, ગત વર્ષે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બંનેની પૂછપરછ કરી હતી અને તેમણે ગાંજો લેવાનું સ્વીકાર્યું હતું. ભારતી અને હર્ષની અલગ-અલગ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બંને ૨થી૩ દિવસમાં જેલની બહાર આવી ગયા હતા. આ તરફ ૨૩ વર્ષીય આર્યન ખાન હાલ ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈ સેશન્સ કોર્ટ ૨૦ ઓક્ટોબરે ચુકાદો આપી શકે છે.

(7:36 pm IST)