Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચીનમાં વર્ષે ૧ લાખ માનવ અંગોની દાણચોરી થાય છે

દક્ષિણ કોરિયાની સિરિઝ સ્કિવડ ગેમની ભારે ધૂમ : ચીનમાં સરકારના ઈશારે પૈસાની લાલચમાં માનવ શરીરના અંગો કાઢીને બ્લેક માર્કેટમાં વેચવામાં આવે છે

નવી દિલ્હી, તા.૧૮ : નેટ ફ્લિક્સ પર હાલમાં દક્ષિણ કોરિયાની સિરિઝ સ્કિવડ ગેમ ભારે ધૂમ મચાવી રહી છે. આ સિરિઝમાં દેવાદાર લોકોને ભેગા કરીને એક બીજા સાથે લડવાની અને જે જીતે તેને પૈસા આપવાની લાલચ આપવામાં આવતી હોવાનુ બતાવાયુ છે.

એક પછી એક ૪૫૫ લોકો મરી જાય છે અને બચી ગયેલા એક વ્યક્તિને ૩૮.૭ મિલિયન ડોલર મળે છે. આ સિરિઝમાં માનવ અંગોની દાણચોરી પણ દર્શાવાઈ છે.

ચીનમાં સ્કિવડ ગેમ્સ જેવી સ્થિતિ ખરેખર છે. જ્યાં પૈસાની લાલચમાં માનવ શરીરના અંગો કાઢીને બ્લેક માર્કેટમાં વેચવામાં આવી રહ્યા છે. માનવાધિકાર સાથે સંકળાયેલા જૂથોનો દાવો છે કે, ચીનની શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીના ઈશારે દર વર્ષે એક લાખ અસંતોષી અને રાજકીય કેદીઓના હાર્ટ, લિવર અને આંખની કીકી કાઢી લેવામાં આવે છે. સરકારના ઈશારે માનવ અંગોની દાણચોરી થાય છે.

આ વર્ષે જુન મહિનામાં યુએનમાં પણ ચીનના લઘુમતી લોકોના શરીરમાંથી અંગો કાઢી લેવાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. લઘુમતી લોકોને બંદી બનાવાય છે અને એ પછી તેમનો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે. તેમના શરીરના અંગોનો એક્સરે પણ લેવામાં આવે છે. આવી તપાસ જેમની થાય છે તેમનો ડેટાબેઝ બનાવાય છે. જેથી તેમના શરીરના અંગોને પાછળથી કાઢીને બીજાને આપી શકાય.

યુએનમાં આ ઘટસ્ફોટ કરનાર નિષ્ણાતોનુ કહેવુ છે કે, પૂર્વ કેદીઓએ આરોપ લગાવ્યા છે કે સૌથી વધારે અંગો કાઢવામાં આવે છે તે હાર્ટ અને કિડની છે. એક મેગેઝિને ગત માર્ચ મહિનામાં લખ્યુ હતુ કે, ચીન મુસ્લિમ કેદીઓની હત્યા કરી રહ્યુ છે. જેથી તેમના અંગો કાઢીને કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરી શકાય.

(9:14 pm IST)