Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

કોરોનાની રસી હવે ઢૂંકડી: એક બે નહિ 10 વેક્સીન અંતિમ તબક્કામાં પહોંચી: વિશ્વની આતુરતાનો ક્યારે આવશે અંત ?

વૅક્સીન શોધવા માટે વૈજ્ઞાનિકોની 100 ટીમો કાર્યરત : અંદાજે 50 વેક્સીન પર કામ ચાલુ :10 વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ ત્રીજા તબક્કામાં : ક્યાં અને કોણ બનાવે છે અને શુ અસર કરશે અને ક્યારે મળશે ? રસપ્રદ માહિતી

નવી દિલ્હી : ચીનથી એક વર્ષ પહેલા શરૂ થયેલા જીવલેણ કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ વાઈરસની કોઈ કારગર દવા ના શોધાય, ત્યાં સુધી માત્ર તકેદારી રાખવી એજ એકમાત્ર ઉપાય છે. તાજેતરમાં દવા બનાવનારી બે કંપનીઓએ દાવો કર્યો છે કે, તેઓ ટૂંક સમયમાં પોતાની કોવિડ-19 વૅક્સીન માર્કેટમાં લાવી દેશે. જેથી ઈમરજન્સી સ્થિતિમાં તેનો ઉપયોગ કોરોના દર્દી કરી શકે. વિશ્વમાં કોરોના વાઈરસની વૅક્સીન શોધવા માટે વૈજ્ઞાનિકોની 100 ટીમો કામ કરી રહી છે.

આ ટીમોએ લગભગ 50 એવી વૅક્સીન પર કામ કરી રહી છે, જે અલગ-અલગ તબક્કામાં પહોંચી ચૂકી છે. જો કે તેમાંથી માત્ર 10 વૅક્સીન એવી છે, જે માર્કેટમાં આવવાની તૈયારીમાં છે. એટલે કે તેના ત્રીજા તબક્કાનું ટ્રાયલ અથવા તો હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ચૂક્યું છે.

ફાઈઝર બીએનટી 162 (Pfizer-BNT162)

આ વૅક્સીન કેંડિડેટ mRNA આધારિત છે. જેને ફાઈઝર અને બાયોએનટેક દવા કંપનીઓ સંયુક્ત રીતે બનાવી રહી છે. તેનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ યુરોપ અને ઉત્તર અમેરિકાના વિવિધ શહેરોમાં થઈ ચૂક્યું છે. કંપનીનો દાવો છે કે, આ વૅક્સીન ક્રિસમસ પહેલા બ્રિટનના બજારમાં ઉતારી દેવાશે. આ વૅક્સીન કોરોના વાઈરસ પર 90 ટકા કારગર છે.

મૉર્ડર્ના mRNA-1273 (Moderna mRNA-1273)

આ વૅક્સીન પણ mRNA સારવાર પદ્ધતિ પર આધારિત છે. જેને ફાર્મા કંપની મૉર્ડર્ના બનાવી રહી છે. આ વૅક્સીનના ફેઝ-3નું ટ્રાયલ વૉશિંગ્ટન હેલ્થ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં થયું છે. મૉર્ડર્નાનો દાવો છે કે, તેની વૅક્સીન કોરોના વાઈરસ પર 94.5 ટકા અસરકારક છે. જો મંજૂરી મળી જશે તો, કંપની પોતાની વૅક્સીન આગામી વર્ષના અંત સુધીમાં અમેરિકા સહિત વિશ્વના અન્ય બજારોમાં ઉતારી દેશે.

Ad5-nCov (CanSino Biologics)

આ વૅક્સીન ચીન દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. જ્યાંથી કોરોના વાઈરસ ફેલાયો, તેજ વુહાન શહેરમાં આ વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂરુ કરવામાં આવી ચૂક્યું છે. આ વૅક્સીન રીકૉમ્બીનેન્ટ છે એટલે કે, એડિનોવાઈરસ ટાઈપ-5 વેક્ટર આધારિત સારવાર પદ્ધતિ પર કામ કરે છે. આ વૅક્સીનના (Covid-19 Vaccines) ફેઝ-3ના ટ્રાયલમાં પાકિસ્તાન, સઉદી અરબ અને મેક્સિકોના 40 હજાર લોકોએ ભાગ લીધો છે.

એસ્ટ્રાઝેનેકા (AZD1222 (Oxford University/AstraZeneca/SII)

આ વૅક્સીન  ઉપર સમગ્ર વિશ્વ વધારે આશા રાખીને બેઠું છે. જેનું ફેઝ-3નું ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ટ્રાયલ  ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને ધી જેનર ઈન્સ્ટિટ્યૂટમાં પૂરુ કરવામાં આવ્યું છે. હ્યુમન ટ્રાયલ માટે અમેરિકા અને ભારત પર પસંદગી ઉતારવામાં આવી હતી. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ભારત અને કેનેડા સહિત અનેક દેશોમાં હવે આ વૅક્સીનને માર્કેટમાં લાવવાની મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે.

CoronaVac (Sinovac)

ચીનની ફાર્મા કંપની સાઈનોવૈક તરફથી આ વૅક્સીન (Corona Vaccine) બનાવાઈ છે. જે ઈનએક્ટિવેટેડ વૅક્સીન (ફૉર્મેલિન અને એલમ એડજુવેન્ટ) આધારિત સારવાર પદ્ધતિ પર બનાવાઈ છે. જેનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. કંપનીનો દાવો છે કે, તેમની વૅક્સીન સુરક્ષિત છે. બ્રાઝીલમાં એક દર્દીના મોત બાદ તેના ટ્રાયલને અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે ફરીથી શરુ થઈ ચૂક્યું છે.

કોવેક્સીન (Covaxin/Bharat Biotech)

ભારતીય દવા કંપની ભારત બાયોટેક આ વૅક્સીનને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજી સાથે મળીને બનાવી રહ્યું છે. જેનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. એવી આશા સેવાઈ રહી છે કે, આ વૅક્સીનઆગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં માર્કેટમાં આવી જશે.

JNJ

આ વૅક્સીન ન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર સારવાર પદ્ધતિ પર આધારિત છે. જેને જૉનસન એન્ડ જૉનસન કંપની બનાવી રહી છે. આ વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ  અંતિમ ચરણમાં છે. જેને ઑપરેશન વાર્પ સ્પીડના અંતર્ગત બનાવવામાં આવી રહી છે. અમેરિકા અને બ્રાઝીલમાં આ વૅક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

NVS-CoV2373

કોરોનાને માત આપવા માટે આ વિશ્વની સૌ પ્રથમ નૈનોપાર્ટિકલ આધારિત વૅક્સીન છે. જેને નોવાવૈક્સ નામની ફાર્મા કંપની બનાવી રહી છે. નોવાવૈક્સને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન તરફથી ફાસ્ટ ટ્રેક ડેસિગનેશન અંતર્ગત કામ પૂરૂ કરવાની મંજૂરી મળી છે. તેના ત્રીજા તબક્કાનું ટ્રાયલ હાલ બ્રિટનમાં ચાલી રહ્યું છે.

અમેરિકામાં નવેમ્બર મહિનાના અંતમાં આ વૅક્સીનનું ટ્રાયલ શરૂ થશે. એવું મનાય છે કે, આ પણ એક અસરકારક કોરોના વૅક્સીન બનીને સામે આવશે.

સ્પૂતનિક V

સ્પૂતનિક-વીને રશિયાની ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ અને આસેલલેના કૉન્ટ્રાક્ટ ડ્રગ્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટે સંયુક્ત રીતે ડેવલોપ કરી છે. રશિયન સરકાર અને દવા કંપનીનો દાવો છે કે, આ વૅક્સીન સફળ છે. એવું કહેવાય છે કે, રશિયન લોકોને આ વૅક્સનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. રશિયન સરકારે આ સ્પુતનિક-વીને વિશ્વની પ્રથમ કોરોના વૅક્સીન ગણાવી હતી.

સાઈનોફાર્મ, WIBP

ચીનની દવા કંપની ચાઈના નેશનલ ફાર્માસ્યૂટિકલ ગ્રુપ અને  વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઑફ બાયોલૉજિકલ પ્રોડક્ટની આ વૅક્સીનનું પણ ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. અત્યાર સુધી આ વૅક્સીનનું નામ જાહેર નથી કરવામાંઆવ્યુ. ચીન ઉપરાંત આ વૅક્સીનનું ટ્રાયલ UAE, મોરક્કો અને પેરૂમાં ચાલી રહ્યું છે.

(11:12 am IST)