Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ :મુખ્ય આરોપીએ કોંગ્રેસના મોટા નેતાઓના લીધા નામ: ભાજપે નિશાન સાધ્યું

CA રાજીવ સક્સેનાએ VVIP ચૉપર સ્કેમમાં કર્યો મોટો ખુલાસો: અહેમદ પટેલ, સલમાન ખુર્શીદ અને કમલનાથના પુત્ર નકુલનું નામ

નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર ખરીદી કૌભાંડ કોંગ્રેસનો પીછો જ નથી છોડી રહ્યું. આ કૌભાંડ સંદર્ભે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પૂરીની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે અને હાલ તે જામીન પર છે. આ કૌભાંડમાં સામેલ રાજીવ સક્સેનાએ ED સમક્ષ પોતાના જવાબમાં કમલનાથના પુત્ર નકુલ નાથ અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદનું  નામ લીધુ છે. જો કે સલમાન ખુર્શીદે આ કૌભાંડમાં પોતાના સામેલ થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે

રાજીવ સક્સેનાએ ડીલમાં લેવામાં આવેલી દલાલીની રકમ ભારત પહોંચાડવામાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. ED સમક્ષ હજાર પેજના પોતાના નિવેદનમાં સક્સેનાએ આ ડીલમાં  લેવામાં આવેલી દલાલીની રકમને ભારત પહોંચાડવામાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. સક્સેનાને જાન્યુઆરી-2019માં દુબઈથી પર્ત્યાર્પણ સંધિ અંતર્ગત ભારત લાવવામાં આવ્યો હતો.

તપાસમાં સહયોગને જોતા EDએ પહેલા તેને સરકારી સાક્ષી બનાવ્યો હતો, પરંતુ પાછળથી જાણવા મળ્યું હતું કે, તે આ કૌભાંડમાં કેટલીક મહત્વની જાણકારી છુપાવી રહ્યો છે. આખરે EDએ તેને આરોપી બનાવવા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

 

EDના આ પ્રશ્નનો જવાબ આપતા સક્સેનાએ કહ્યું કે, ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીસ લિમિટેડ સુધી કૌભાંડની રકમ પહોંચી હતી. સુષેણ મોહન ગુપ્તાની આ કંપનીનું મેનેજમેન્ટ ગૌતમ ખેતાન કરતો હતો. ED આ બન્નેની ધરપકડ કરી ચૂકી છે અને બન્ને જામીન પર બહાર છે.

સુષેણ મોહન ગુપ્તા અને ગૌતમ ખેતાન વાતચીતમાં કૌભાંડમાં  લાભ લેનારા રાજકારણીઓમાં APનું નામ લેતા હતા. સક્સેનાના જણાવ્યા અનુસાર, APનો ઉપયોગ અહેમદ પટેલ માટે કરવામાં આવતો હતો. આટલું જ નહીં, ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીસ અને ગ્લોબલ સર્વિસ મારફતે દલાલીની રકમ મોજર બિયર અને આપ્ટિમા ઈન્વેસ્ટમેન્ટ સુધી પહોંચતી હતી. જે કમલનાથના  ભત્રીજા રતુલ પુરી અને તેમના પરિવારની કંપની છે.

પોતાના જવાબમાં રાજીવે અન્ય એક કંપની પ્રિસ્ટાઈન રિવર ઈન્વેસ્ટમેન્ટનું નામ પણ લીધુ. પ્રિસ્ટાઈન રિવર ઈન્વેસ્ટમેન્ટથી રાજીવ સક્સેના અને સુષેણ મોહન ગુપ્તા પાસે બ્રિજ ફંડિંગ મારફતે રકમ પહોંચતી હતા. આ પ્રિસ્ટાઈન રિવર ઈન્વેસ્ટમેન્ટનું મેનેજમેન્ટ કમલનાથના) પુત્ર નકુલ નાથ માટે જૉન ડાકેરતી સંભાળતો હતો.

3600 કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર ખરીદી કૌભાંડ મામલે પોતાની ચાર્જશીટમાં CBIએ દલાલીની રકમ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં રાજીવ સક્સેનાની  ભૂમિકાની વિસ્તૃત વિગતો આપી છે

17 ડિસેમ્બરે દાખલ કરવામાં આવેલ CBIની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ અનુસાર, ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીસના 99.9 ટકા શેર રાજીવ સક્સેનાને 2000માં જ ખરીદી લીધા હતા. CBIને મળેલી જાણકારી પ્રમાણે, અગસ્તા વેસ્ટલેન્ડથી  ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીના ખાતામાં 1.24 કરોડ યુરો (અંદાજિત 110 કરોડ રૂપિયા)ની રકમ આવી હતી. જે બાદ તેને મધ્યસ્થીઓ સુધી પહોંચાડવામાં આવી હતી.

આજ પ્રકારે રાજીવ સક્સેનાની 4 કંપનીઓમાં ગ્લોબલ સર્વિસીઝથી 9.48 લાખ યુરો (અંદાજિત 8 કરોડ 38 લાખ) રૂપિયા આપવામાં આવ્યા હતા.

રાજીવ સક્સેનાનો  જવાબ સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે. પ્રસાદે કહ્યું કે, જીપ કૌભાંડથી બોફોર્સ, સબમરિન કૌભાંડથી અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ સુધી કોંગ્રેસના નેતાઓને ફાયદો પહોંચાડ્યા વિના કોઈ કામ નથી થયું. જ્યારે પણ અમે ડિફેન્સ ડિલમાં કોઈ કૌભાંડની વાત કરીએ, ત્યારે કોંગ્રેસના કોઈને કોઈ નેતાનું નામ સામે આવી જ જાય છે.

(12:36 pm IST)