Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

જાહેર સ્થળોએ છઠ પૂજા ઉપર મુકેલા પ્રતિબંધને દિલ્હી હાઇકોર્ટે માન્ય રાખ્યો : કોવિદ -19 ના વધી રહેલા કહેર વચ્ચે સમૂહ ભેગો થવાથી વાઇરસ ફેલાવાનો ભય : દિલ્હીના દુર્ગા જનસેવા ટ્રસ્ટે આપ સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી પિટિશન કોર્ટે ફગાવી

ન્યુદિલ્હી : દેશમાં તેમજ ખાસ કરીને દિલ્હીમાં કોરોના વાયરસે ફરીથી ઉપાડો લીધો છે.દરરોજ સંક્રમીતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો છે. આથી કોરોના વાઇરસના આ ત્રીજા રાઉન્ડ દરમિયાન આવતી છઠ પૂજા જાહેર સ્થળોએ કરવા ઉપર આપ સરકારે પ્રતિબંધ મુકતા દુર્ગા જન સેવા ટ્રસ્ટએ આપ સરકાર વિરુદ્ધ તેના નિર્ણય સામે વાંધો ઉઠવતી પિટિશન દિલ્હી હાઇકોર્ટમાં  દાખલ કરી હતી.જેના અનુસંધાને  સરકારના આ નિર્ણયને વ્યાજબી ગણાવી નામદાર કોર્ટે પિટિશન ફગાવી દીધી હતી.

જોકે અરજદારે 20 નવેમ્બરના રોજ થનારી છઠ પૂજામાં જાહેર જગ્યાએ એક હજાર લોકોની મર્યાદામાં સમૂહ ભેગો થવા દેવા માટે અરજ ગુજારી હતી.

જેના અનુસંધાનમાં નામદાર કોર્ટે જણાવ્યું હતું કે અરજદાર  કોવિદ -19 ના વર્તમાન સંજોગોથી માહિતગાર હોય તેવું લાગતું નથી.રાજધાનીમાં સંક્રમીતો તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.તેથી જાહેરમાં છઠ પૂજા કરવા દેવાની અરજદારની માંગણી સંક્રમણનો ફેલાવો કરવા સમાન બની રહે તેમ છે.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે સમાજની ધાર્મિક લાગણી સમજી શકાય તેમ છે.પરંતુ સાથોસાથ લોકોના આરોગ્યની અવગણના પણ કરી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જાહેર જગ્યા ઉપર છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.જેમાં અંદાજે 2 લાખ ઉપરાંત લોકો ભેગા થાય છે.

પરંતુ વર્તમાન સમય સંક્ર્મણ ફેલાતો અટકાવવાનો છે.તેવું નામદાર કોર્ટે જણાવ્યું હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)