Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

પાકિસ્તાની સેના- જાસૂસી સંસ્થા ISI અને અલ કાયદા વચ્ચે સાંઠગાંઠ હતી:ઓબામાના પુસ્તકમાં મોટો ધડાકો

ઓસામાના મોત બાદ ઝરદારીએ ઓબામાને ફોન કરી ખુશી વ્યક્ત કરી હતી: પાકિસ્તાન-આઈએસઆઈ અને અલકાયદા સહીત ઓપરેશન ઓસામા અંગે અનેક ઘટસ્ફોટ

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાની આત્મકથામાં માત્ર રાહુલ ગાંધી અને મનમોહનસિંહનો જ ઉલ્લેખ નથી. ઓબામાએ તેમના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ માં વધુ એક ઘટસ્ફોટ પણ કર્યો છે. કહ્યું છે કે પાકિસ્તાની સેના પાક. જાસૂસી સંસ્થા ISI અને અલ કાયદા વચ્ચે સાંઠગાંઠ હતી.

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તેમના પુસ્તક માં પાકિસ્તાન અને અલ-કાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. અલકાયદાનો આતંકી ઓસામા બિન લાદેન 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં ઠાર મરાયો હતો

લાદેનના મોત અંગે ઓબામાએ લખ્યું કે મારો ખ્યાલ હતો કે લાદેનના મોત બાદ સૌથી મુશ્કેલ ટેલીફોન કોલ પાકિસ્તાના પ્રમુખ આસિફ અલી ઝરદારીનો હશે. કારણ કે લાદેનના મોત બાદ તેમના પર ચોમેરથી દબાણ પડવા લાગશે

એ પણ સવાલ ઉઠશે કે પાકિસ્તાન આ ઓપરેશનમાં સામેલ હતું કે નહીં? પરંતું આવું કશું નહીં, ઉલટાનું આસિફ અલી ઝરદારીએ કહ્યું કે“આ તો બહુ આનંદના સમાચાર છે

ઓબામાએ વધુમાં લખ્યુ છે કે આસિફ અલી ઝરદારી ફોન પર બહુ લાગણીવશ થઇ ગયા. તેમનો ભારે અવાજ સંભળાઇ રહ્યો હતો. તેમણે પોતાની પત્ની બેનઝીર ભૂટ્ટોનો ઉલ્લેખ કર્યો હતો. જેમની હત્યા અલ-કાયદા સાથે સંકળાયેલા લોકોએ કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઓબામાની આત્મકથા અ પ્રોમિસ્ડ લેન્ડમાં તેમના બાળપણથી લઇ તેમના પ્રમુખપદના કાળ અને મે 2011 સુધીને ઉલ્લેખ છે. ત્યારે ઓસામા અમેરિકાના ઓપરેશન સીલમાં માર્યો ગયો હતો

 

ઓબામાએ કહ્યું કે તેઓ વધુ વાતો આગામી ભાગમાં લખશે. ઓપરેશન ઓસામાનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું છે કે જે સમયે તેમણે પ્રમુખપદ સંભાળ્યું હતું. અમેરિકાએ ઓસામાને શોધવાનું બંધ કરી દીધું હતું. પરંતુ તેમણે તેને પ્રથમ પ્રાથમિકતા બનાવ્યું.

વર્ષ 2009થી તેના માટે તૈયારીઓ શરુ થઇ ગઇ હતી. ઓબામાએ અધિકારીઓને કહી રાખ્યું હતું કે પરિસ્થિતિ અંગે દર મહિને તેમને માહિતીગાર કરવામાં આવે.

ઓબામાએ લખ્યું કે ઓપરેશન ઓસામા અંગે પાકિસ્તાનની તત્કાલીન સરકારને અંધારામાં જ રખાઇ હતી. એટલું જ નહીં અમેરિકી સરકારના પણ ગણ્યા ગાંઠિયા લોકોને જ આની ખબર હતી.

જો કે પાકિસ્તાને અફઘાનિસ્તાન મામલે અમેરિકાની મદદ કરી હતી. પરંતુ તેના સૈન્ય અને જાસૂસી સંસ્થા આઇએસઆઇમાં કેટલાક લોકો અલ-કાયદા સાથે સંકળાયેલા હતા. જેનો ઉપયોગ કરી તેઓ ભારતને નબળુ પાડવા માંગતા હતા.

નિર્ણાયક ઘડીએ ઓબામા વ્હાઇટ હાઉસની ટ્રીટી રુમમાં હતા અને બાસ્કેટ બોલ મેચ ચાલી રહી હતી. ઓસામા અંગે અમેરિકાએ બે યોજના બનાવી હતી. એક ઓપરેશન સીલને મોકલવી અને બીજુ નજીકથી ડ્રોનનો હુમલો કરવો.

ઓબામાના પુસ્તકમાં લખાયું છે કે હાલમાં અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા જો બિડેન ત્યારે ઉપપ્રમુખ હતા અને તેઓ ઓપરેશન ઓસામાની વિરુદ્ધ હતા. તેમને ડર હતો કે જો ઓપરેશન નિષ્ફળ જશે તો તેના ગંભીર રાજકીય પરિણામો આવશે.

બે મેના રોજ જ્યારે અમેરિકી નેવી સીલ્સે ઓસામા હણાયો હોવાની પુષ્ટિ કરી ત્યારે ઓબામાએ પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન અને જોર્જ બુશ જૂનિયરને ફોન કર્યો અને પછી વિશ્વના મિત્ર દેશોનો સંપર્ક કર્યો હતો

(8:49 pm IST)