Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામુ ઓફર કરવાની રેસ : શક્તિસિંહ ગોહિલ બાદ રાજીવ સાતવેં પણ રાજીનામુ ઓફર કર્યું

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાની ઓફર કરી હતી

નવી દિલ્હી : ગુજરાતની પેટાચૂંટણીમાં આઠ બેઠકો અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ  કોંગ્રેસમાં રાજીનામુ ઓફર કરવાની રેસ લાગી છે. ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસ આઠ બેઠક પર હારી ગઈ તેના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાની ઓફર કરી હતી, તેમણે જણાવ્યું હતું કે જો હાઈ કમાન્ડ ઇચ્છે તો રાજીનામું લઈ શકે છે. તેના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પણ રાજીનામાની ઓફર કરી છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પક્ષને એકેય બેઠક જીતાડી ન શકવાનો તેમને ઘણો અફસોસ છે, આ પાછી આઠેય બેઠક કોંગ્રેસની હતી, અગાઉની ચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો. હવે ફક્ત ત્રણ વર્ષના ટૂંકા સમયગાળામાં આ બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી છે. તેના પરથી જણાઈ રહ્યું છે કે લોકોએ તેમને જાકારો આપવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ સમખાવા પૂરતી એક બેઠક પણ જીતી શકી નથી.

ગુજરાત જ કેમ બિહાર વિધાનસભા ચૂંટણીમાં 70 બેઠક પર ઉમેદવાર ઊભો રાખનારી કોંગ્રેસમાંથી માંડ 19 ઉમેદવાર જ જીત્યા. આના પરથી તેની સ્થિતિ ત્યાં કેટલી કફોડી છે તેનો અંદાજ આવે છે. કોંગ્રેસના નબળા દેખાવના પગલે તેજસ્વીને ત્યાં સરકાર રચવામાં નિષ્ફળતા મળી છે. આરજેડીના પ્રમુખ તેજસ્વીને કલ્પના ન હતી કે કોંગ્રેસ આટલો દેખાવ કરશે.

  બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે શક્તિસિંહ ગોહિલ છે, તેમણે કોંગ્રેસના આ નબળા દેખાવની જવાબદારી લઈને રાજીનામુ આપવાની જવાબદારી દર્શાવી છે. તેમનું માનવું હતું કે નીતિશકુમાર સામેની એન્ટિઇન્કમબન્સીનો કોંગ્રેસ જોઈએ તેવો ફાયદો ઉઠાવી ન શકે. કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ જો 50 ટકા પણ રહ્યો હોત તો આજે તેજસ્વી યાદવે સરકાર બનાવી લીધી હોત. આજે બિહારમાં નીતિશકુમારની સરકાર કોંગ્રેસના નબળા દેખાવના લીધે બચી ગઈ હોવાનું તે માને છે. તેથી તેઓ પોતે બિહારની જવાબદારીમાંથી રાજીનામુ આપવા તૈયાર છે

(9:07 pm IST)