Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સિબ્બલ બાદ ચિદમ્બરમે કહ્યું- ચૂંટણીમાં પાર્ટીના પરાજયની સમીક્ષા થવી જોઈએ

પેટાચૂંટણીના પરિણામનું તારણ : જમીની સ્તર પર પાર્ટીનું સંગઠન નથી કે નબળુ પડી ગયું

 

ગ્રેટ---

ફોટો ચિદમ્બરમ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી અને 8 રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પક્ષમાં જે વિખવાદ શરૂ થયો છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યો. કપિલ સિબ્બલ અને તારિક અનવર બાદ હવે કોંગ્રેસના વધુ એક કદ્દાવર નેતા પી ચિદમ્બરમે પાર્ટીની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હિન્દી અખબારને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ચિદમ્બરમે કહ્યુ કે, બિહાર ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો જણાવે છે કે પાર્ટી જમીની સ્તર પર ક્યાંય નથી. એટલું નહીં, તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે બિહારમાં કોંગ્રેસ પોતાની તાકાતથી વધુ સીટો પર ચૂંટણી લડી, તેણે ઓછી સીટો પર ચૂંટણી લડવાની જરૂર હતી.

સવાલ પર કે કોરોના મહામારી અને આર્થિક મંદી છતાં બિહાર અને પેટાચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ કેમ રહ્યુ, ચિદમ્બરમે કહ્યુ કે, તે પેટાચૂંટણીના પરિણામોને લઈને વધુ ચિંતિત છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પેટાચૂંટણીના પરિણામ જણાવે છે કે જમીની સ્તર પર પાર્ટીનું સંગઠન નથી કે નબળુ પડી ગયું છે. તેમણે કહ્યું કે, બિહારમાં જીતની નજીક રહીને પણ હારનો સામનો કરવો પડ્યો, જેની સમીક્ષા થવી જોઈએ.

ઇન્ટરવ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ તે વાતને માને છે કે બિહારમાં મહાગઠબંધન માટે કોંગ્રેસ નબળી કડી સાબિત થઈ ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, પાર્ટીએ ઓછી સીટો પર ચૂંટણી લડવી જોઈએ. ચિદમ્બરમે કહ્યુ કે, કોંગ્રેસે બિહારમાં પોતાના સંગઠનની તાકાતથી વધુ સીટો પર ચૂંટણી લડી. તેણે માત્ર 45 સીટો પર ચૂંટણી લડવાની હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે સીટો પર ચૂંટણી લડી તેમાંથી 25 એવી હતી જ્યાં પાછલા 20 વર્ષોમાં ભાજપ કે તેની સહયોગી જીતી રહી હતી.

હકીકતમાં કોંગ્રેસે 243 વિધાનસભા સીટો વાળા બિહારમાં 70 સીટો પર ચૂંટણી લડી હતી જેમાં માત્ર 19 સીટ પર જીત મળી હતી. કારણ છે કે તેને મહાગઠબંધનની હારનું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ચિદમ્બરમ જેવા દિગ્ગજ કોંગ્રેસીના નિવેદનથી આરજેડી નેતા શિવાનંદ તિવારીની તે આલોચનાને બળ મળે છે, જેમાં તેમણે મહાગઠબંધનની હારનું ઠીકરું કોંગ્રેસ પર ફોડ્યું હતું.

(11:29 pm IST)