Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ખાંડની નવી સીઝનના દોઢ મહિનામાં ઉત્પાદન 3 ગણુ વધ્યુ : 14.10 લાખ ટને પહોંચ્યું :ઈસ્મા

15 નવેમ્બર સુધી 274 સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી

 

નવી દિલ્હીઃ દેશમાં ખાંડનું ઉત્પાદન 1 ઓક્ટોબર 2019થી 15 નવેમ્બર 2020 દરમિયાન 14.10 લાખ ટને પહોંચી ગયુ જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 4.84 લાખ ટન હતુ. આવી રીતે ખાંડ ઉત્પાદનમાં ત્રણ ગણી વૃદ્ધિ થઇ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)નું કહેવુ છે કે, સીઝન વર્ષ 2020-21માં 15 નવેમ્બર સુધી 274 સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધી 127 મિલોમાં શેરડીનું પિલાણ ચાલી રહ્યુ હતુ.

ઉત્તરપ્રદેશમાં 15 નવેમ્બર 2020 સુધી 3.85 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેનું ઉત્પાદન 2.93 લાખ ટન હતુ. રાજ્યમાં 76 સુગર મિલોમાં શેરડીનું પિલાણ થઇ રહ્યુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 78 મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.

ઇસ્માના મતે મહારાષ્ટ્રમાં ચાલુ સીઝનમાં 117 સુગર મિલો ચાલી રહી છે તેમજ 5.65 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. આવી રીતે કર્ણાટકમાં 49 સુગર મિલો ચાલી રહી છે તેમજ 3.40 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. રાજ્યમાં પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન 1.43 લાખ ટન હતુ અને 34 સુગર મિલો ચાલી રહી હતી.

ગુજરાતમાં 15 નવેમ્બર સુધી કૂલ ઉત્પાદન 80 હજાર ટન ખાંડનું થયુ છે. જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં બે હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં 14 સુગર મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં માત્ર ચાર સુગર મિલો ચાલી રહી હતી. ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લગભગ 18 સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી છે તેમજ 40 હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ છે.

ઇસ્માના મતે 1 ઓક્ટોબરથી શરૂ થયેલ નવા માર્કેટિંગ વર્ષમાં 106.4 લાખ ટન ખાંડનો ઓપનિંગ સ્ટોક હતો. ચાલુ વર્ષે 310 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આવી રીતે ચાલુ વર્ષ પણ ખાંડના મામલે સરપ્લસ વર્ષ રહેશે. ચાલુ વર્ષે ભારતમાં 60-70 લાખ ટન ખાંડની નિકાસ થવી જરૂરી છે.

(12:56 am IST)