Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

'માફી માલ'ની પણ ક્રેડિટ રિવર્સ કરવા GST અધિકારીઓનું દબાણ

પોતાની કામગીરી વેપારીઓ પર થોપી નોટિસ ફટકારતા રોષ : GST ચોરી કે ખોટી ક્રેડિટ લીધી હોય તેની કાર્યવાહીમાંથી છટકવાનો પ્રયાસ

નવી દિલ્હી,તા. ૧૮ : જીએસટી અધિકારીઓની દાદાગીરીને કારણે વેપારીઓએ વિના કારણે પરેશાની વેઠવાની નોબત આવીને ઉભી છે. કારણ કે વેપારીઓએ જ ચીજ વસ્તુનું વેચાણ પેટે ટેકસ જ ભરવાનો થતો નથી. તેમ છતાં તે માટેની ક્રેડિટ લીધી હોવાનંુ જણાવીને નોટીસ ફટકારવામાં આવી છે. તેમજ તેઓએ લીધેલી ક્રેડિટ પણ રીવર્સ કરવા માટે દબાણ કરી રહ્યા હોવાની ફરીયાદ ઉઠી છે.

વેપારીઓ દ્વારા ભરવામાં આવતા રીટર્નમાં ખામી હોય તો તે માટે જીએસટી અધિકારીઓ દ્વારા નોટીસ આપવામાં આવતી હોય છે. જ્યારે જે ચીજવસ્તુનું વેચાણ કરવામાં આવતુ હોય અને તેના કરતા ઓછી રકમનો જીએસટી ભરપાઇ કર્યો હોય તો પણ અધિકારીઓ સ્થળ તપાસ કર્યા બાદ દસ્તાવેજની ચકાસણી કરીને ઓછો ટેકસ ભરપાઇ કર્યો હોવા તેવા કિસ્સામાં ટેકસની રકમ ભરવા માટે નોટીસ આપતા હોય છે. જ્યારે હાલમાં અધિકારીઓ દ્વારા વેપારીઓને ખોટી રીતે પરેશાન કરવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. કારણ કે વેપારીએ જે ચીજ વસ્તુના કરેલા વેચાણ પેટે ટેકસ ભરવાનો થતો નથી. પરંતુ તેની સાથે અન્ય માલનું પણ વેચાણ કર્યું હોય તેવા કિસ્સામાં વેપારીએ રીટર્ન ભરીને ક્રેડિટ લેવાની થતી હોય તો લેવામાં આવતી હોય છે. જેથી માફી માલનું વેચાણ કરતા હોય તેવા વેપારીઓને નોટીસ ફટકારીને ક્રેડિટ લીધી હોય તો તેને રીવર્સ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. જો કે આ માટેની કામગીરી અભિકારીઓએ કરવાની હોય છે. કારણે કે વેપારીએ કઇ ક્રેડિટ ખોટી લીધી તેની જાણકારી તેઓ પાસે હોવા છતાં પોતે કરવાની થતી કામગીરી  વેપારીઓને માથે થોપી દેવામાં આવતા રોષ ફેલાયો છે. (૨૨.૬)

માફી માલ એટલે શું ?

વેપારી દ્વારા એક કરતા વધુ ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવે અને તેમાં કેટલીક વસ્તુઓ પર જીએસટી લાગુ થતો હોય અને કેટલીક ચીજ વસ્તુઓ પર જીએસટી લાગુ પડતો નથી. જેના પર જીએસટી લાગુ પડતો નથી તેવી ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવે તો તેને માફી માલ તરીકે જીએસટી વિભાગની સાથે સાથે વેપારીઓમાં ઓળખવામાં આવતો હોય છે

(10:05 am IST)