Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કુલગામ જિલ્લામાં સૈન્યને મોટી સફળતા : TRF ના કમાન્ડર સહીત 5 આતંકી ઠાર

બારામુલ્લામાં ગ્રેનેડ હુમલો:સીઆરપીએફના બે જવાનો અને બે નાગરિકો ઈજાગ્રસ્ત: 47 લાખ રૂપિયા સાથે બે આતંકીની ધરપકડ

શ્રીનગર :  જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સૈન્યને મોટી સફળતા મળી છે, સૈન્યએ ટીઆરએફના કમાન્ડર સહિત કુલ 5 આતંકીઓને ઠાર માર્યા છે. ધ રેઝિસ્ટેન્સ ફોર્સ (ટીઆરએફ) નો કમાંડર અફાક સિકંદરને પણ ઠાર કરાયો છે,

 માહિતી અનુસાર સૈન્ય દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સૈન્ય પર ફાયરિંગ કર્યું હતું. જે પછી બન્ને વચ્ચે સામસામે ભારે અથડામણ થઈ હતી. આ દરમિયાન બારામુલ્લામાં ગ્રેનેડ હુમલો થયો હતો જેમાં સીઆરપીએફના બે જવાનો અને બે નાગરિકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

જોકે હુમલો ક્યા આતંકી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો તેની કોઇ જાણકારી સામે આવી શકી નથી. સૈન્ય દ્વારા હુમલાખોરોની શોધખોળ માટે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં લશ્કરે તોયબાના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આતંકીઓમાં આમિર બશીર અને મુખ્તર બટનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આતંકીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવાનુ કાવતરૂ ઘડી રહ્યા હતા.

આ દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરાઇ હતી. જેમાં બે રેડી ટુ યુઝ આઇઇડી પણ મળી આવી હતી. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તો બીજી તરફ લશ્કરે તોયબાના અન્ય બે આતંકીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બંને પાસેથી 43 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. મંગળવારે રાત્રે તપાસ અભિયાન દરમિયાન આ આતંકીઓને પકડવામાં આવ્યા હતા.

(11:02 am IST)