Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

યુપીમાં સંઘ દેશભકિતની આહલેખ જગાડશેઃ કાલથી અમૃત મહોત્સવ

૧ મહિના દરમિયાન તિરંગા યાત્રા, વંદે માતરમ ગાયન, સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરાશે : દરેક જીલ્લા, પ્રાંત, બ્લોક, ગ્રામ પંચાયત સ્તરે બેઠકો-સેમીનારઃ રાણી લક્ષ્મીબાઇની કાલે જન્મ જયંતિથી શરૂઆતઃ ૧૬ ડીસેમ્બર વિજય દિવસે સમાપન

લખનૌ તા. ૧૮ :.. યુપીના લોકોમાં દેશભકિતની ભાવના જગાડવા માટે સંઘ કાલે તા. ૧૯ નવેમ્બરથી ૧ મહિના સુધી અમૃત મહોત્સવ મનાવવા જઇ રહ્યુ છે. આ અભિયાન હેઠળ આરએસએસએ આખા રાજયમાં ખાસ કરીને પૂર્વાચલ અને બુંદેલખંડના એક-એક ગામ સુધી પહોંચવાનો રોડ મેપ તૈયાર કરી લીધો છે.

આ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા, વંદે માતરમ ગાયન, સ્વતંત્રતા સેનાનીઓની યાદ અને દરેક જીલ્લાઓમાં અનેક બેઠકો અને સેમીનારના કાર્યક્રમ યોજાશે. સ્કુલ- કોલેજોમાં પણ શોભા યાત્રાઓ કાઢવામાં આવશે. પ્રાંત સ્તર, બ્લોક સ્તર, ગ્રામ પંચાયત સ્તરે દેશભકિતની ભાવના જગાડવા સંઘ દ્વારા કમીટીઓ બનાવામાં આવી છે. દરેક કમીટીમાં રપ થી ૩૦ લોકો સામેલ છે.

આ કાર્યક્રમોમાં સંઘના બધા એકમો સામેલ થશે. કાલથી શરૂ થતા અભિયાનની શરૂઆત ૧૮પ૭ ના સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજીના હાજા ગગડાવનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની ૧૯૩ મી જન્મ જયંતિ સાથે થશે અને સમાપન વિજય દિવસ ૧૬ ડીસેમ્બરે થશે. ૧૯૭૧માં ભારતીય જાબાજોએ પાકિસ્તાની સેનાને ૧૬ ડીસેમ્બરના રોજ આત્મ સમર્પણ માટે મજબુર કરેલ.

ઉપરાંત ૧૯ નવેમ્બરે નરેન્દ્રભાઇ બુંદેલ ખંડના પ્રવાસે આવનાર છે. અહીંથી તેઓ ભાજપના ર૦રર માં યોજાનાર ચૂંટણી પ્રચારનો શંખનાદ કરનાર છે. યુપીમાં ૪૦૩ વિધાનસભા બેઠકોમાંથી ર૦ બુંદેલખંડમાં અને ૧પ૬ પૂર્વાચલમાં છે.

યુપીમાં   ર૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બુંદેલ ખંડની તમામ બેઠકો મળી હતી. જયારે પૂર્વાચલમાં ૧૦૦થી  વધુ બેઠકોમાં કમળ ખીલેલ. રાજકીય તજજ્ઞો મુજબ ર૦રર માં જે પણ પક્ષ બુંદેલખંડ અને પુર્વાચલમાં વધુ બેઠકો મેળવશે, તે જ લખનૌની ગાદી ઉપર બેસી સરકાર બનાવશે. એટલે જ સંઘ અને ભાજપનું પુરૂ ફોકસ આ ક્ષેત્રો ઉપર છે.

(11:35 am IST)