Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કૃષિ કાનૂન આંદોલનકારીઓ વિરૂદ્ધ તમામ ફરિયાદ રદ કરવા પંજાબ સરકારનો નિર્ણય

કપાસ ઉત્પાદકોને 12000 રૂપિયાથી વધારીને 17000 રૂપિયા પ્રતિ એકર કરવા અને કપાસની કાપણીમાં સામેલ ખેત મજૂરોને 10 ટકા રાહત આપવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સંયુક્ત કિસાન મોર્ચાના 32 કૃષિ સંઘો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લીધો નિર્ણય

 

નવી દિલ્હી :પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ બુધવારે સંયુક્ત કિસાન મોર્ચાના 32 કૃષિ સંઘો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને પંજાબ પોલીસ દ્વારા નોંધેલા કૃષિ કાનૂન આંદોલનકારીઓ વિરૂદ્ધ બધી જ એફઆઈઆર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.તેમને પંજાબ પોલીસને આદેશ આપ્યો છે કે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરીને એફઆઈઆરને સંપૂર્ણ રીતે રદ્દ કરી દેવામાં આવે.

મુખ્યમંત્રીએ ટ્વિટ કરતાં કહ્યું કે, 32 કૃષિ સંઘો સાથે સૌહાર્દપૂર્ણ માહોલમાં બેઠક કરી અને તેમની મોટાભાગની માંગોને સાંભળવામાં આવી. કપાસ ઉત્પાદકોને 12000 રૂપિયાથી વધારીને 17000 રૂપિયા પ્રતિ એકર કરવા ઉપરાંત કપાસની કાપણીમાં સામેલ ખેત મજૂરોને 10 ટકા રાહત આપવામાં આવશે.

 પ્રેસ કોન્ફ્રન્સમાં મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું કે, પરાલી સળગાવવાને લઈને ખેડૂતો વિરૂદ્ધ નોંધાયેલા બધા જ કેસો પર સહાનૂભૂતિપૂર્વક વિચાર કરવામાં આવશે જેથી ખેડૂત સમુદાયના હિતોની રક્ષા કરવામાં આવી શકે. સાથે જ તેમને ખેડૂતોને પરાલી સળગાવવાથી બચવાની અપીલ કરી છે કેમ કે તે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બંને માટે ખતરનાક છે.

ચન્નીએ કહ્યું કે, રાજ્ય સરકાર આગામી મંત્રીમંડળમાં એક પ્રસ્તાવ લાવવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે, જેથી સરકારમાં લગભગ 75 ટકા પદ માત્ર પંજાબી યુવાઓ માટે અનામત રાખવાની નીતિ બનાવી શકાય.

સંયુક્ત ખેડૂત મોરચાના પ્રતિનિધિઓ દ્વારા નાના, સીમાંત અને ભૂમિહીન ખેડૂતો સહિત બધી જ શ્રેણીના ખેડૂતોનું દેવું માફ કરવાની માંગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે રાજ્યની નાણાકીય સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા પછી તેમની અલગ બેઠક થશે.

(12:40 pm IST)