Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની માન્યતાને પડકારતી

અરજીની સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે કેન્દ્રને નોટીસ ફટકારી

નવી દિલ્હી, તા. ૧૮ : ગેેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA)ની માન્યતાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુધવારે ૧૭ નવેમ્બરે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી. UAPAની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજી ભૂતપૂર્વ અમલદારો દ્વારા સંયુકત રીતે દાખલ કરવામાં આવી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની બેંચે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. ભૂતપૂર્વ IAS અધિકારીઓ હર્ષ મંડેર, વજાહત હબીબુલ્લાહ, અમિતાભ પાંડે, કમલકાંત જયસ્વાલ, હિન્દલ હૈદર તૈયબજી, એમજી દેવસાહ્યમ, પ્રદીપ કુમાર દેબ, બલદેવ ભૂષણ મહાજનનો સમાવેશ થાય છે.

આ સિવાય પૂર્વ આઈપીએસ ઓફિસર જુલિયો ફ્રાન્સિસ રિબોરિયો, ઈશ કુમાર અને પૂર્વ આઈએફએસ ઓફિસર અશોક કુમાર શર્માનું નામ પણ અરજીકર્તાઓમાં સામેલ છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે UAPA કેસમાં કાર્યવાહીનો દર ઘણો ઓછો છે. આવા કેસોમાં આરોપીઓને લાંબા સમય સુધી કેદમાં રહેવું પડે છે, ઘણા લોકો કેદમાં મૃત્યુ પણ પામે છે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે કલમ-43D(૫)ની જોગવાઈ હેઠળ જામીન નામંજૂર કરવાનો ઉપયોગ અસંમતિને દબાવવા માટે કરવામાં આવે છે, જે આ કાયદાની વિરુદ્ધ છે.

(4:01 pm IST)