Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

હૈદરપોરા એન્કાઉન્ટરને લઈને હવે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ તપાસની માંગણી કરી

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું -હૈદરપોરા એન્કાઉન્ટર કેસમાં એડીએમ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ અપાયો છે

નવી દિલ્હી :જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે  કહ્યું કે કાશ્મીર ઘાટીમાં હૈદરપોરામાં  જે એન્કાઉન્ટર થયું. જેમાં જે સામાન્ય નાગરિકના મોત થયા, તેની તપાસ થવી જોઈએ

ગુલામ નબી આઝાદે કહ્યું કે તેમના સમયમાં પણ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમને આતંકવાદી ગણાવ્યા હતા પણ તપાસમાં તે નિર્દોષ નિકળ્યા હતા અને આજે ગુનેગારો જેલમાં છે. સાથે જ કહ્યું કે સુરક્ષાદળ સારૂ કામ કરી રહ્યા છે પણ સિક્યોરિટી ફોર્સને પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તે સિવાય કહ્યું કે આ મામલે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ સાથે પણ વાત થઈ છે, તેમને કહ્યું કે અમે જમ્મૂ કાશ્મીરને રાજ્ય બનાવીશું

જમ્મુ અને કાશ્મીર સરકારે હૈદરપોરા એન્કાઉન્ટર કેસની તપાસનો આદેશ આપ્યો છે, જેમાં બે આતંકવાદીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે હૈદરપોરા એન્કાઉન્ટર કેસમાં એડીએમ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

એલજીની ઓફિસે ટ્વિટ કરીને લખ્યું કે, હૈદરપોરા એન્કાઉન્ટરમાં એડીએમ રેન્કના અધિકારી દ્વારા મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ બહાર આવતાની સાથે જ સરકાર યોગ્ય પગલાં લેશે.” કેન્દ્રશાસિત પ્રદેશના લોકોને ખાતરી આપતા ઉપરાજ્યપાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન નિર્દોષ નાગરિકોના જીવનની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેની કાળજી લેવામાં આવશે. કોઈના દ્વારા કોઈને નુકસાન થઈ શકે નહીં કોઈપણ પ્રકારનો અન્યાય ન થવો જોઈએ

(9:54 pm IST)