Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખાએ સાઉથ કોરિયન હરિફ યૂહ્યુનને હરાવીને એશિયન કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો

વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ત્રણ સિલ્વર મેડલ જીતનારી જ્યોતિએ એશિયન ચેમ્પિયનશિપની સેમિ ફાઈનલ અને ફાઈનલમાં કોરિયન તીરંદાજોને હરાવ્યા

ઢાકા :ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખાએ વેન્નમે એક પોઈન્ટથી સાઉથ કોરિયન હરિફ યૂહ્યુનને હરાવીને એશિયન કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. બાંગ્લાદેશમાં યોજાયેલી એશિયન તીરંદાજીમાં જ્યોતિ અને રિષભ યાદવની જોડીએ મિક્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ભારતીય મેન્સ ટીમને અગાઉ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ત્રણ સિલ્વર મેડલ જીતનારી જ્યોતિએ એશિયન ચેમ્પિયનશિપની સેમિ ફાઈનલ અને ફાઈનલમાં કોરિયન તીરંદાજોને હરાવતા સફળતા હાંસલ કરી હતી. સેમિ ફાઈનલમાં ભારતીય તીરંદાજે વર્ષ ૨૦૧૫ની વર્લ્ડ ચેમ્પિયન કિમ યુનહીને ૧૪૮-૧૪૩થી પરાસ્ત કરી હતી. જ્યારે ફાઈનલમાં ઓહ યૂહ્યુનને ૧૪૬-૧૪૫થી મહાત આપી હતી.

ફાઈનલમાં જ્યોતિના છ તીર ૧૦ના સ્કોર પર તાક્યા હતા. જ્યારે બે વખત તેણે ૯ પોઈન્ટ સ્કોર કર્યો હતો. કોરિયન તીરંદાજના એક તીરના સ્કોર અંગે વિવાદ થયો હતો. કોરિયન તીરંદાજ અને ટીમે ૧૦નો સ્કોર થયો હોવાનો દાવો કર્યો હતો. જ્યારે જજે તે તીર પર ૯નો સ્કોર જાહેર કર્યો હતો. વર્લ્ડ તીરંદાજીના નિયમ અનુસાર સિંગલ જજના ચૂકાદાને પડકારી ન શકાય અને આખરે ભારતીય તીરંદાજનો વિજય થયો હતો.

ભારતની જ્યોતિ સુરેખા અને રિષભ યાદવની જોડીનો મિક્સ તીરંદાજીની ફાઈનલમાં કોરિયાની કિમ યૂનહી અને ચોઈ યંગહી સામે ૧૫૫-૧૫૪થી પરાજય થયો હતો અને તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.

(12:15 am IST)