Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

Cowin પર સૌથી વધુ લોકોને વેક્સિન લગાવવા માટે મોકલનારને મળશે ઈનામ: રસીકરણમાં ઝડપ લાવવા માટે કેન્દ્રની નવી યોજના

જે વ્યક્તિના રેફરન્સથી વધારે લોકો આવશે તેને સરકાર ઈનામ આપશે:આ યોજનાને હર ઘર દસ્તક હેઠળ લાવશે

નવી દિલ્હી :કોવિન એપ દ્વારા જે લોકો સૌથી વધારે વેક્સિન લગાવડાવશે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તેમને ઈનામ આપશે. તેના માટે કોવિન એપમાં ઘણા ફેરફાર પર સરકાર વિચાર કરી રહી છે. જેવી રીતે તમે વેક્સિન લગાવવા જશો તો તમને પૂછવામાં આવશે કે કોના રેફરન્સથી તમે આવ્યા છો. જે વ્યક્તિના રેફરન્સથી વધારે લોકો આવશે તેને સરકાર ઈનામ આપશે. સરકાર આ યોજનાને હર ઘર દસ્તક હેઠળ લાવી રહી છે, જેથી વધુને વધુ લોકો રસી મેળવી શકે. કેટલા લોકોને રસી લેવા મોકલવા બદલ ઈનામ આપવામાં આવશે, આ માપદંડ અત્યારે નક્કી કરવામાં આવી રહ્યો છે.

સરકાર વધારેમાં વધારે લોકોને વેક્સિન મળે તેથી હર ઘર દસ્તક અભિયાન ચલાવી રહી છે. આમાં એવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ એવા લોકોને ઓળખી શકે જેમણે હજુ સુધી રસી નથી લગાવી. સરકારને લાગે છે કે વધારે લોકોને વેક્સિન લગાવવા માટે મોકલનારને ઈનામ આપવાની સ્કીમથી લોકોને વધારે મોટિવેશન મળશે અને વેક્સિનેશનમાં ઝડપ આવશે.

 કોરોના મહામારીની સામે વેક્સિનેશન અભિયાન ચાલુ છે. રસીકરણના 100 કરોડના આંકડાને પાર કર્યા બાદ હવે કોરોના વેક્સિનેશનની સંખ્યા 114 કરોડના આંકડાને પાર કરી ગયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સિનના 73,44,739 ડોઝ આપવામાં આવ્યા. ત્યારબાદ વેક્સિનેશનનો કુલ આંકડો 1,14,46,32,851 થઈ ગયો છે. ત્યારે વેક્સિનેશન માટે અત્યાર સુધી 1,17,53,091 સેશન કરવામાં આવ્યા છે.

 

(12:37 am IST)