Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પૂર્વ IAS અધિકારી સીવી આનંદ બોઝને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા

ડૉ. સી.વી. આનંદ બોઝ હાલમાં મેઘાલય સરકારના સલાહકાર

નવી દિલ્હી :સીવી આનંદ બોઝને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક તેમના પદ સંભાળ્યાની તારીખથી પ્રભાવી થશે. તેઓ જણાવે છે કે ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. સી.વી. આનંદ બોઝને પશ્ચિમ બંગાળના નિયમિત રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. મણિપુરના રાજ્યપાલ લા ગણેશન જુલાઈથી પશ્ચિમ બંગાળનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, ડૉ. સી.વી. આનંદ બોઝ હાલમાં મેઘાલય સરકારના સલાહકાર છે અને ભૂતપૂર્વ IAS અધિકારી છે. તેઓ સરકારના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા છે. ડૉ. બોસનો જન્મ 2 જાન્યુઆરી 1951ના રોજ કેરળના કોટ્ટયમમાં થયો હતો. તેમણે BITS પિલાનીમાંથી PhD કર્યું છે. ઉપરાંત, તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં M.A કર્યું છે.

અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર હતા, પરંતુ તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી હતી અને તેઓ હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. જેના કારણે તેમણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી રાજ્યપાલ લા ગણેશન રાજ્યનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. જગદીપ ધનખડ જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા ત્યારે મમતા સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘણી મડાગાંઠ હતી. બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર તણાવ રહેતો હતો અને બોલાચાલી પણ થતી હતી. પરંતુ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદો ગેરહાજર રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે નવા ગવર્નર અને મમતા સરકાર વચ્ચેના સંબંધો કેવા રહેશે તે પ્રશ્ન છે

(10:27 pm IST)