Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

કાલે ભાજપનું ‘કાર્પેટ બોમ્‍બિંગ' પ્રચાર અભિયાન

પાર્ટી હાઈકમાન્‍ડે ઘણા વરિષ્ઠ નેતાઓ અને કેન્‍દ્રીય મંત્રીઓને એક દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વિધાનસભા મતવિસ્‍તારોમાં જાહેર સભાઓને સંબોધિત કરવાનો નિર્દેશ આપ્‍યો : ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપ લગાવી રહ્યું છે એડીચોટીનું જોર : ૮૯ બેઠકો ઉપર ૮૯ નેતાઓની સભાઓઃ ભાજપનું શક્‍તિપ્રદર્શન

નવી દિલ્‍હી, તા.૧૭: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્‍નો બની ગઈ છે. જેને લઈ ભાજપ આ ચૂંટણીમાં પ્રચારમાં કોઈ કસર છોડી રહી નથી. આથી ભાજપે શુક્રવારે (૧૮ નવેમ્‍બરે) ગુજરાતમાં જંગી ચૂંટણી પ્રચાર કરવાની યોજના બનાવી છે. ભાજપના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પાર્ટી હાઈકમાન્‍ડે ઘણા વરિષ્ઠ નેતાઓ અને કેન્‍દ્રીય મંત્રીઓને એક દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વિધાનસભા મતવિસ્‍તારોમાં જાહેર સભાઓને સંબોધિત કરવાનો નિર્દેશ આપ્‍યો છે.

ભાજપે ૧૮ નવેમ્‍બરે કેન્‍દ્રીય મંત્રીઓ અને રાજ્‍યના નેતાઓની જાહેર સભાઓ સાથે ગુજરાતના ૮૯ મતવિસ્‍તારોમાં કાર્પેટ બોમ્‍બિંગ'ની વ્‍યૂહરચના તૈયાર કરી છે.  ૮૯ નેતાઓ કાલે સભાઓ સંબોધશે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કરવા માટે કેન્‍દ્રીય મંત્રીઓ, રાજ્‍યના નેતાઓ, વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો અને અન્‍ય પ્રચારકો આ મતવિસ્‍તારોમાં જાહેર સભાઓ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, ગજેન્‍દ્ર સિંહ શેખાવત, ધર્મેન્‍દ્ર પ્રધાન, સ્‍મળતિ ઈરાની સહિત ઘણા કેન્‍દ્રીય મંત્રીઓ આ મતવિસ્‍તારોમાં સભાઓ અથવા જાહેર સભાઓ કરશે. ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ પક્ષના અધ્‍યક્ષ સીઆર પાટીલ પણ સભાને સંબોધશે.  ભાજપ માને છે કે તેની પાસે માત્ર રાષ્‍ટ્રીય સ્‍તરે જ નહીં પરંતુ રાજ્‍ય સ્‍તરે પણ મોટા નેતાઓ છે અને તે રીતે પાર્ટીએ ચૂંટણીમાં ઝંપલાવ્‍યું છે. ભાજપે ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના શક્‍તિ પ્રદર્શનમાં ગુજરાતમાં વિવિધ સ્‍થળોએ ૩,૦૦૦ થી ૫,૦૦૦ અને ૨૦,૦૦૦ની ભીડ સાથેની રેલીઓનો સમાવેશ થશે. ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર શાસન કરી રહી છે. ભાજપની નજર ગુજરાતમાં સાતમી વખત સરકાર બનાવવા પર ટકેલી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી રહ્યા હતા.

 ગુજરાત લાંબા સમયથી ભાજપનો ગઢ રહ્યો છે અને પાર્ટી આ વખતે પણ જંગી બહુમતી સાથે સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, આ વખતે ભાજપને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) તરફથી સખત ચૂંટણી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, જેણે ઇસુદાન ગઢવીને તેના મુખ્‍યપ્રધાન પદના ઉમેદવાર તરીકે નિયુક્‍ત કર્યા છે. આ સાથે કોંગ્રેસ પણ રાજ્‍યની ભાજપ સરકારને હટાવવા માટે તમામ તાકાત લગાવી રહી છે. ગુજરાતમાં કુલ ૧૮૨ વિધાનસભા મતવિસ્‍તાર છે. આ વખતે ગુજરાતમાં બે તબક્કામાં ૧લી અને ૫મી ડિસેમ્‍બરે મતદાન થશે અને ૮મી ડિસેમ્‍બરે મતગણતરી થશે.

(12:00 am IST)