Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

નીતિન ગડકરીની એક કાર્યક્રમ દરમિયાન તબિયત બગડી

કોલકતા,તા. ૧૮ : કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની તબિયત એક કાર્યક્રમ દરમિયાન અચાનક બગડી હતી. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગડકરી પશ્ચિમ બંગાળના સિલીગુડીના દાગાપુર પહોંચ્‍યા હતા. જયાં તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. ત્‍યારબાદ નજીકની હોસ્‍પિટલની ટીમ સ્‍થળ પર પહોંચી અને તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે નિતિન ગડકરીની તબિયત ઓછી સુગર લેવલને કારણે બગડી હતી.

નીતિન ગડકરી યોજનાઓ રજૂ કરવા પમિ બંગાળના સિલીગુડી પહોંચ્‍યા હતા. તેમણે સિલીગુડીમાં રૂ. ૧૨૦૬ કરોડના ખર્ચે ૩ NH પ્રોજેક્‍ટનું ઉદ્‍ઘાટન અને શિલાન્‍યાસ કર્યું. આ કાર્યક્રમ બાદ અચાનક તેમની તબિયત લથડી હતી. સુકનાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની એક ટીમ પહોંચી અને તેમને પ્રાથમિક સારવાર આપી. હવે નીતિન ગડકરીની તબિયત સારી હોવાનું કહેવાય છે.

આ પહેલીવાર નથી જયારે આ પ્રકારના કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીની તબિયત બગડી હોય. અગાઉ ડિસેમ્‍બર ૨૦૧૮માં મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત બગડી હતી. ગડકરી સ્‍ટેજ પર જ બેહોશ થઈ ગયા. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના રાજયપાલ વિદ્યાસાગર રાવ હાજર હતા. રાજયપાલે જ તેમને સ્‍ટેજ પર સંભાળ્‍યા હતા. આ પછી નીતિન ગડકરીને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

(10:59 am IST)