Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મહારાષ્‍ટ્રના બાલાપુરથી ભારત જોડો યાત્રા દરમિયાન

 રાહુલ સાથે તુષાર ગાંધી જોડાયા : જનસભાને સંબોધન

 મુંબઈ,તા.૧૮ : કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ મહારાષ્‍ટ્રમાં છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બાલાપુરથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. મહાત્‍મા ગાંધીના -પૌત્ર અને લેખક તુષાર ગાંધીએ પણ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.

 જણાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની ‘‘ભારત જોડો યાત્રા''તેના મહારાષ્‍ટ્ર તબક્કાના ૧૨માં દિવસે શુક્રવારે સવારે અકોલા જિલ્લાના બાલાપુરથી બુલઢાણાના શેગાંવ તરફ આગળ વધી હતી. રાહુલ ગાંધી અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે નાંદેડમાં એક રેલીને સંબોધિત કરી હતી.

 પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વહેલી સવારે રસ્‍તાની બંને બાજુએ એકઠી થયેલી ભીડનું અભિવાદન કર્યું હતું અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.  ‘‘ભારત જોડો યાત્રા''૭ નવેમ્‍બરે મહારાષ્‍ટ્રમાં પ્રવેશી હતી. આ યાત્રા ૭ સપ્‍ટેમ્‍બરે તમિલનાડુના કન્‍યાકુમારીથી શરૂ થઈ હતી. આ અંતર્ગત અત્‍યાર સુધીમાં મહારાષ્‍ટ્રના નાંદેડ, હિંગોલી, વાશિમ અને અકોલા જિલ્લામાં પદયાત્રાઓ કરવામાં આવી છે.

 ગુરૂવારે એક ટ્‍વિટમાં તુષાર ગાંધીએ કહ્યું હતું કે શેગાંવ તેમનું જન્‍મસ્‍થળ છે.હું ૧૮મીએ શેગાંવ ખાતે ભારત જોડો યાત્રામાં જોડાઈશ. શેગાંવ મારું બર્થ સ્‍ટેશન પણ છે. મારી માતા જે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, જ્‍યારે મારો જન્‍મ થયો ત્‍યારે ૧૭મી જાન્‍યુઆરી ૧૯૬૦ના રોજ હાવડા મેઈલ વાયા નાગપુર શેગાંવ સ્‍ટેશન પર રોકાઈ હતી! તેમણે પોસ્‍ટમાં જણાવ્‍યું હતું.

 કોંગ્રેસે યાત્રામાં તુષાર ગાંધીની ભાગીદારીને ઐતિહાસિક ગણાવી હતી.પાર્ટીએ રાહુલ ગાંધી અને તુષાર ગાંધીને અનુક્રમે જવાહરલાલ નેહરૂ અને મહાત્‍મા ગાંધીના -પૌત્રો, બે દિવંગત નેતાઓના વારસાના વાહક તરીકે વર્ણવ્‍યા છે.

તુષાર ગાંધી ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મુકુલ વાસનિક, દીપેન્‍દ્ર હુડ્ડા, મિલિંદ દેવરા, માણિકરાવ ઠાકરે, મુંબઈ કોંગ્રેસના અધ્‍યક્ષ ભાઈ જગતાપ અને પાર્ટીના રાજ્‍ય એકમના વડા નાના પટોલે રાહુલ ગાંધી સાથે ચાલ્‍યા હતા.

 રાહુલ ગાંધી આજે સાંજે શેગાંવમાં જનસભાને સંબોધવાના છે. ભારત જોડો યાત્રા મહારાષ્‍ટ્રમાં તેના છેલ્લા તબક્કામાં છે અને ૨૦ નવેમ્‍બરે મધ્‍ય પ્રદેશમાં  પ્રવેશ કરશે.

(5:00 pm IST)