Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

દેશમાં પહેલીવાર ખાનગી સ્‍પેસ કંપનીના રોકેટનું લોન્‍ચીંગ

અવકાશ ક્ષેત્રે ભારતે ઇતિહાસ રચ્‍યો : અવકાશમાં નવા યુગની શરૂઆત : ઇસરો દ્વારા ખાનગી સ્‍પેસ કંપનીનું રોકેટ ‘વિક્રમ-એસ' શ્રીહરિકોટાથી છોડાયું

નવી દિલ્‍હી તા. ૧૮ : દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. આ વિકસિત રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્‍થા (ISRO) દ્વારા સ્‍પેસ સ્‍ટાર્ટઅપ સ્‍કાયરૂટ એરોસ્‍પેસ વતી લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. આ રોકેટ સવારે ૧૧.૩૦ કલાકે ઉડાન ભરી હતી. પહેલા આ રોકેટ ૧૫ નવેમ્‍બરે લોન્‍ચ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે આજે તેને લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. ભારતે આજે અવકાશ ક્ષેત્રે ઇતિહાસ રચ્‍યો છે.

INSPACEના અધ્‍યક્ષ પવન કુમાર ગોએન્‍કાએ જણાવ્‍યું હતું કે અવકાશમાં ભારતના ખાનગી ક્ષેત્રના પ્રવેશ માટે આ એક નવી શરૂઆત અને ઐતિહાસિક ક્ષણ છે. તે જ સમયે, કેન્‍દ્રીય મંત્રી જિતેન્‍દ્ર સિંહે કહ્યું કે ભારતની સ્‍પેસ ઇકોસિસ્‍ટમને વિકસાવવા અને વિશ્વ સમુદાયમાં એક અગ્ર હરોળના રાષ્ટ્ર તરીકે ઉભરી આવવા માટે આ એક મોટું પગલું છે. તે ભારતના સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમ માટે પણ એક વળાંક છે.

સ્‍કાયરૂટ એરોસ્‍પેસના આ પ્રથમ મિશનને ‘પ્રારંભ' નામ આપવામાં આવ્‍યું છે, જેમાં ત્રણ કન્‍ઝ્‍યુમર પેલોડ છે. સ્‍કાયરૂટ માટે આ મિશનને એક મહત્‍વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે, કારણ કે તે વિક્રમ-૧ ઓર્બિટલ વાહનમાં ઉપયોગમાં લેવાતી ૮૦ ટકા ટેક્‍નોલોજીને માન્‍ય કરવામાં મદદ કરશે, જે આવતા વર્ષે લોન્‍ચ કરવાની યોજના છે.

ISROના અધ્‍યક્ષ એસ સોમનાથે જણાવ્‍યું હતું કે ૧૦૦ સ્‍ટાર્ટ-અપ્‍સે સ્‍પેસ ટેક્‍નોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં કામ કરવા ઈસરો સાથે જોડાણ કર્યું છે. સોમનાથ ગુરુવારે બેંગ્‍લોર ટેક સમિટ-૨૦૨૨માં આર એન્‍ડ ડી - ઇનોવેશન ફોર ગ્‍લોબલ ઇમ્‍પેક્‍ટ વિષય પર બોલી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે જણાવ્‍યું કે ૧૦૦માંથી લગભગ ૧૦ એવી કંપનીઓ છે, જે સેટેલાઇટ અને રોકેટ વિકસાવવામાં લાગેલી છે. આ દરમિયાન તેમણે ચંદ્રયાન III વિશે માહિતી આપતા કહ્યું કે તેને ટૂંક સમયમાં લોન્‍ચ કરવામાં આવશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ઘણા એવા મિશન છે જેના પર ઈસરો અને અમેરિકન સ્‍પેસ એજન્‍સી નાસા સાથે મળીને કામ કરી રહ્યા છે.

જીવનના વિવિધ ક્ષેત્રોમાં સ્‍પેસ ટેક્‍નોલોજીના ઉપયોગની ચર્ચા કરતાં તેમણે જણાવ્‍યું હતું કે, અવકાશ મિશન માટે જે ટેક્‍નોલોજી અને નવીનતાઓ કરવામાં આવે છે તેનો રોજિંદા જીવનમાં પણ ઘણી રીતે ઉપયોગ થાય છે. ઘણા સ્‍ટાર્ટ-અપ ખાસ કરીને આ પાસા પર કામ કરી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે ભારત સરકારના સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ્‍સ અને સ્‍માર્ટ મેન્‍યુફેક્‍ચરિંગ પ્રક્રિયાઓમાં ISRO મહત્‍વપૂર્ણ ભાગીદાર છે.

(3:34 pm IST)