Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

આઈએએસ અધિકારી અભિષેકસિંહે પોતાની તસ્‍વીરો સોશ્‍યલ મીડિયામાં શેર કરતાં ઓબ્‍ઝર્વર પદેથી હટાવાયા

ચૂંટણીપંચની કડક કાર્યવાહી

નવી દિલ્‍હી : સોશ્‍યલ મીડિયામાં પોતાના પોસ્‍ટીંગની તસ્‍વીરો શેર કરતા યુપી કેડરના આઈએએસ અધિકારી અભિષેકસિંહને ચૂંટણીપંચ દ્વારા ગુજરાતની ચૂંટણીમાં જનરલ ઓબ્‍ઝર્વરના પદની પોસ્‍ટ ઉપરથી હટાવી દેવામાં આવ્‍યા હોવાનું જાણવા મળે છે.

આ આઈએએસ અધિકારી વિરૂદ્ધ એટલા માટે કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે તેઓએ સોશ્‍યલ મીડિયામાં પોતાની પોસ્‍ટીંગની તસ્‍વીરો પબ્‍લીસીટી સ્‍ટંટ તરીકે શેર કરી હતી.

૨૦૧૧ બેચના અધિકારીએ જનરલ ઓબ્‍ઝર્વર તરીકે તેમની પોસ્‍ટ શેર કરવા માટે ઈન્‍સ્‍ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો અને તેમના હોદ્દાનો ઉપયોગ પબ્‍લીસીટી સ્‍ટંટ તરીકે કર્યો હતો. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને ગુજરાત ચૂંટણીના જનરલ ઓબ્‍ઝર્વર તરીકે તેઓને ફરજોમાંથી મુકત કરવામાં આવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે અભિષેકસિંહ ઉત્તરપ્રદેશ કેડરના ૨૦૧૧ બેચના આઈએએસ અધિકારી છે. જેમને અમદાવાદના બાપુનગર અને અસરવા વિધાનસભા વિસ્‍તાર માટે જનરલ ઓબ્‍ઝર્વર તરીકે નિયુકત કરવામાં આવ્‍યા હતા. ચૂંટણીપંચ દ્વારા તેઓને તાત્‍કાલીક ધોરણે વિધાનસભા વિસ્‍તારને છોડવાનો અને પોતાના નોડલ ઓફીસરને રીપોર્ટ કરવાનો નિર્દેશ આપ્‍યો છે. તેઓને આપવામાં આવતી તમામ સરકારી સુવિધાઓ પણ પરત લઈ લેવામાં આવશે. તેમના સ્‍થાને ૨૦૧૧ની બેચના આઈએએસ અધિકારી કૃષ્‍ણ વાજપેયી હવે બાપુનગર અને અસરવામાં ઓબ્‍ઝર્વર તરીકે દેખરેખ રાખશે.

(4:41 pm IST)