Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

નરેન્‍દ્રભાઇ મોદી અને રાહુલ ગાંધી સૌરાષ્‍ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે જાહેર સભાઓ ગજવશેઃ વિધાનસભા ચૂંટણીનો જામતો માહોલ

કાલે વડાપ્રધાન વલસાડમાં સભા સંબોધશેઃ રાહુલ ગાંધી સોમવારે નવસારી આવશે

નવી દિલ્‍હીઃ વિધાનસભા ચુંટણીનો માહોલ જામ્‍યો છે અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી રવિવારે તથા રાહુલ ગાંધી સોમવારે સૌરાષ્‍ટ્રમાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સોમવારથી પ્રચાર અભિયાન શરૂ કરશે. રાહુલ ગાંધી દક્ષિણ ભારતથી શરૂ થયેલી પોતાની ભારત જોડો યાત્રામાંથી વિરામ લેશે. રાહુલ ગાંધીનો પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યના એક પ્રવાસ સાથે થઇ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને આજે જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રથી સૂરત સુધી રાજ્યામં આઠ કાર્યક્રમમાં સામેલ થશે. પીએમ મોદીના પ્રવાસનું મુખ્ય આકર્ષણ રવિવારે સોમનાથ મંદિરનો પ્રવાસ છે. વડાપ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. શનિવાર સાંજે ગુજરાત પહોચ્યા બાદ પીએમ મોદી વલસાડમાં એક રેલીને સંબોધિત કરશે. તેના બીજા દિવસે સોમનાથ મંદિરનો પ્રવાસ કર્યા બાદ પીએમ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીને સંબોધિત કરશે.

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌરાષ્ટ્રની આ વિધાનસભા બેઠકમાંથી એક પણ બેઠક જીતી શકી નહતી. તેમાંથી મોટાભાગની પારંપરિક રીતે કોંગ્રેસની બેઠક માનવામાં આવે છે.

ત્રીજા દિવસે પીએમ મોદી સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં ત્રણ રેલી કરશે. એક સમયે ભરૂચ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલનું ચૂંટણી ક્ષેત્ર હતુ. નવસારીથી આવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ લોકસભા બેઠક ભારે અંતરથી જીતતા રહ્યા છે. રાહુલ ગાંધી સોમવારે નવસારી આવી શકે છે. આ સાથે જ પીએમ મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના નેતાઓ સાથે બંધ રૂમમાં બેઠક કરી શકે છે.

(5:14 pm IST)