Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

પાકિસ્તાનમાં સુરક્ષા દળોના કાફલા પર આતંકવાદી હુમલો :ચાર સૈનિકોના મોત

આતંકવાદીઓએ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં ઈરાન સાથેની સરહદે સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો

નવી દિલ્હી :આતંકવાદીઓએ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં ઈરાન સાથેની સરહદે સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો, જેમાં ચાર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.  પાકિસ્તાન આર્મીના પબ્લિક રિલેશન યુનિટ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર બલૂચિસ્તાનના પંજગુર જિલ્લામાં પાકિસ્તાન-ઈરાન સરહદ પર આતંકવાદી ગતિવિધિ દરમિયાન પાકિસ્તાનના સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. ચૂકાબ સેક્ટરમાં ફાયરિંગ સરહદ નજીક ચુકાબ સેક્ટરમાં જ્યારે જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે આતંકીઓએ ગોળીબાર કર્યો હતો.

ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે( Pakistani Soldier Died) જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ સરહદ પર પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવવા માટે ઈરાનની જમીનનો ઉપયોગ કર્યો હતો.” અગાઉ, પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ બાદ તફ્તાન અને પંજગુરની સરહદો બંધ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ 6 થી 7 આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કરીને 3 પોલીસકર્મીઓની હત્યા કરી હતી. જેમાં એક ડીએસપીનું પણ મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે 2021માં આવી આતંકવાદની બે ઘટનાઓ બની હતી. પાકિસ્તાને બલૂચિસ્તાનના ચમન વિસ્તારમાં અફઘાનિસ્તાન સાથેની તેની સરહદ ક્રોસિંગ પર પણ સમાન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, ગયા વર્ષે ડિસેમ્બરમાં બે ઘટનાઓ નોંધાઈ હતી. અફઘાન પક્ષ તરફથી ગોળીબારની બંને ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત નાગરિકો અને એક અફઘાન સૈનિક માર્યા ગયા હતા. ગત મહિને પણ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાન પોલીસ પર સતત હુમલા થયા હતા. આ હુમલા દરમિયાન 6 પાકિસ્તાની સૈનિકોએ જીવ ગુમાવ્યા અને 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. બલૂચિસ્તાનના જ અન્ય એક વિસ્તારમાં આતંકીઓએ પાકિસ્તાની સેના પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં એક પાક સૈનિક શહીદ થયો હતો.

(10:38 pm IST)