Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરવા માટે દર મહિનાના પ્રથમ રવિવારે યોજાશે ખાસ ઝુંબેશ

બુથ લેવલ ઓફિસરો મતદારોને આધારકાર્ડ લિંક કરાવવા માટે જરૂરી સમજ આપી સ્વેચ્છાએ આધાર નંબર ફોર્મ ૬-ખ માટે વિગતો આપવા માર્ગદર્શન આપશે

રાજકોટ: ભારતીય ચૂંટણી પંચની સુચના મુજબ મતદારોના ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાના અભિયાન અન્વયે મતદારોને તેમના ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડની વિગતો જોડવા માટે મહિનાના પ્રથમ રવિવારે ખાસ ઝુંબેશ યોજવામાં આવશે. કોઈપણ વ્યક્તિ બે સ્થાન પર મતદાન ન કરે અને મતદારોની યાદીને સ્વચ્છ અને પારદર્શી બનાવી શકાય તેવા શુભાશય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના અનુસાર આગામી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમા આધાર લિંકની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે વિધાનસભાના તમામ બુથ લેવલ ઓફિસરો તેમના વિસ્તારમાં ફરીને આધારકાર્ડની વિગતો મેળવી ગરૂડા એપ્લીકેશન મારફત એન્ટ્રી કરી લેવાની રહેશે. જેનું નિરીક્ષણ તમામ ઝોનલ ઓફિસરએ કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુથ લેવલ ઓફિસરો મતદારોને આધારકાર્ડ લિંક કરાવવા માટે જરૂરી સમજ આપી સ્વેચ્છાએ આધાર નંબર ફોર્મ ૬-ખ માટે વિગતો આપવા માર્ગદર્શન આપશે. દરેક બુથ લેવલ ઓફિસરોએ તેમના ભાગના મતદારોનો આ બાબતે રૂબરૂ સંપર્ક કરી મતદારયાદીમાં મતદારનો સંપર્ક કર્યા બદલની સહી પણ મેળવશે, તેમ રાજકોટ પશ્ચિમના પ્રાંત અધિકારી અને મતદાર નોંધણી અધિકારી સંદીપકુમાર વર્માની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

(11:36 pm IST)