Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

૧૫ વર્ષ જુની તમામ સરકારી કારોનું રજિસ્‍ટ્રેશન થશે રદ

કેન્‍દ્રની મોદી સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્‍હી,તા. ૧૯: દેશભરમાં પ્રદૂષણને અંકુશમાં લેવા અને પરિપત્ર અર્થવ્‍યવસ્‍થાને પ્રોત્‍સાહન આપવા માટે, કેન્‍દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વ્‍હીકલ એક્‍ટમાં સુધારાની સૂચના જારી કરી હતી, જે મુજબ ૧૫ વર્ષથી જૂના તમામ સરકારી વાહનોનું રજિસ્‍ટ્રેશન ફરજિયાતપણે રદ કરવામાં આવશે. જે વાહનોનું રજીસ્‍ટ્રેશન (૧૫ વર્ષથી વધુ) રીન્‍યુ કરવામાં આવ્‍યું છે તે પણ આપમેળે રદ થયેલ ગણવામાં આવશે. આવા તમામ જૂના વાહનોનો રજીસ્‍ટર્ડ સ્‍ક્રેપ સેન્‍ટર પર નિકાલ કરવાનો રહેશે.

કેન્‍દ્ર સરકારના વાહનો, રાજય સરકારોના વાહનો, કેન્‍દ્રશાસિત પ્રદેશોના વાહનો, કોર્પોરેશનના વાહનો, રાજય પરિવહનના વાહનો, PSUs (જાહેર ક્ષેત્રના ઉપક્રમો) અને સરકારી સ્‍વાયત્ત સંસ્‍થાઓના વાહનો ૧૫ વર્ષથી વધુ જૂના તમામ વાહનોને સ્‍ક્રેપ કરવાના રહેશે. જો કે આમાં સેનાના વાહનો સામેલ નથી. આ નવો આદેશ ૧ એપ્રિલ, ૨૦૨૩થી લાગુ થશે.

નોંધપાત્ર રીતે, ગયા વર્ષે નવેમ્‍બરમાં, માર્ગ પરિવહન મંત્રાલયે એક ડ્રાફટ બહાર પાડ્‍યો હતો, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે કેન્‍દ્ર અને રાજય સરકારોના તમામ ૧૫ વર્ષ જૂના વાહનોને સ્‍ક્રેપ કરવામાં આવશે. કોર્પોરેશન અને વાહનવ્‍યવહાર વિભાગની બસો અને વાહનોને પણ આ નિયમ લાગુ કરવા જણાવાયું હતું. ત્‍યારબાદ સરકારે ડ્રાફટ પર ૩૦ દિવસમાં સૂચનો અને વાંધા માંગ્‍યા હતા. હવે સરકાર આ નિયમ લાગુ કરવા જઈ રહી છે.

ગયા નવેમ્‍બરમાં કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ૧૫ વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને જંકમાં ફેરવી દેવામાં આવશે. આને લગતી નીતિ રાજયોને મોકલી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ એક ફાઇલ પર હસ્‍તાક્ષર કર્યા છે, જેના હેઠળ ૧૫ વર્ષથી વધુ જૂના ભારત સરકારના તમામ વાહનોને જંકમાં ફેરવવામાં આવશે. મેં આ નીતિ તમામ રાજયોને પણ મોકલી છે, તેઓએ પણ તેને અપનાવવી જોઈએ. 

(11:01 am IST)