Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મુંબઇ - ગોવા હાઇવે પર કાર - ટ્રકની ટક્કરમાં ૯ના મોત

આ ઘટના આજે સવારે લગભગ ૫.૩૦ વાગ્‍યે બની હતી : નવ લોકો ઇકો કારમાં મુંબઇથી ગોવા જઇ રહ્યા હતા

મુંબઇ તા. ૧૯ : આજે સવારે ઉઠતા પહેલા જ મુંબઈ-ગોવા હાઈવે પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કાર અને ટ્રક વચ્‍ચે સામસામે ટક્કર થઈ હતી. જેમાં નવ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતા. જયારે એક ચાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર અકસ્‍માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્‍થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સ્‍થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્‍ત બાળકને કારમાંથી બહાર કાઢી નજીકની હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યો હતો. પોલીસ અકસ્‍માતના કારણની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આ ઘટના રાયગઢ જિલ્લાના માનગાંવ નજીક મુંબઈ-ગોવા હાઈવે પર આજે સવારે લગભગ ૫.૩૦ વાગ્‍યે બની હતી. નવ લોકો ઈકો કારમાં મુંબઈથી ગોવા જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી ટ્રકની હેડલાઈટના પ્રકાશથી કારના ચાલકની આંખો અંજાઈ ગઈ હતી. જેના કારણે કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્‍યો હતો અને થોડી જ વારમાં કાર પૂરપાટ ઝડપે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્‍માતમાં કારમાં સવાર તમામે તમામ નવ લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. જોકે, આ જ કારમાં સવાર ચાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ બચી ગયો છે. તેને સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે.

આ પહેલા પણ મુંબઈ-ગોવા હાઈવે પર અનેક અકસ્‍માતો થઈ ચૂક્‍યા છે. ખાસ કરીને કોંકણ તરફ જતા રોડ પર દરરોજ અકસ્‍માતો થાય છે. પરિસ્‍થિતિને જોતા હાઈવે ઓથોરિટી દ્વારા આ હાઈવે પર સાઈનેજ અને બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ સ્‍પીડ પર નિયંત્રણના અભાવે અકસ્‍માતો ઓછા થઈ રહ્યા છે.

(11:02 am IST)