Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પેટ્રોલમાં ભાવ વધારા માટે ખરેખર જવાબદાર કોણ ? શું પોતાના અગાઉના નિવેદન પર મક્કમ છે ભાજપ?

વિપક્ષી દળ વડાપ્રધાનને તેમના જૂના ટ્વીટ યાદ અપાવી રહ્યાં છે

નવી દિલ્હી: ભારતમાં પેટ્રોલની કિંમત સતત વધી રહી છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 86 રૂપિયા પ્રતિ લીટર છે. સતત વધતી કિંમતને લઇને વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી દળ વડાપ્રધાનને તેમના જૂના ટ્વીટ યાદ અપાવી રહ્યા છે જેમાં તેમણે લખ્યુ હતું, ‘પેટ્રોલની કિંમતોમાં વધારો યુપીએ સરકારની નિષ્ફળતા છે. જેનાથી કરોડો ગુજરાતીઓ પર અસર પડશે.’

મહત્વપૂર્ણ છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંદર રાખવામાં નથી આવ્યા. આધાર કિંમત પર કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી વેટ અને એક્સાઇઝ શુલ્ડ જોડવામાં આવે છે. ડીલર કમિશન જોડાયા બાદ રિટેલ પ્રાઇસ ચાર ગણા સુધી વધુ થવાની સંભાવના રહે છે.

એક લીટર પેટ્રોલ પર કુલ 32.98 પૈસાની એક્સાઇઝ ડ્યુટી લાગે છે જ્યારે ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી લાગે છે. વેટ તમામ રાજ્ય સરકાર તરફથી નક્કી કરવામાં આવે છે. ડીલર કમિશન એવરેજ 3.67 રૂપિયા છે.

14 સપ્ટેમ્બર, 2013માં પેટ્રોલની કિંમત 76.06 રૂપિયા પ્રતિ લીટર હતી. લગભગ પાંચ વર્ષ બાદ 21 મે, 2018માં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.57 રૂપિયા પ્રતિ લીટર પહોચી ગઇ હતી. હવે તેની કિંમતમાં ફરી એક વખત 13 રૂપિયાનો વધારો થયો છે

વર્ષ 2012માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી ત્યારે તેમણે ટ્વીટ કર્યુ હતું કે પેટ્રોલની કિંમતોને વધારવાનો નિર્ણય સંસદ સત્ર ખતમ થવાના એક દિવસ બાદ લેવો સંસદની ગરિમાને નુકસાન પહોચાડે છે. એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યુ હતુ કે યુપીએ સરકાર કસાઇ ખાનાને સબસિડી આપે છે અને ડીઝલની કિંમતોને વધારે છે. શું આ કોંગ્રેસની દિશા છે?

2014ની ચૂંટણીમાં ભાજપ તરફથી પોસ્ટર જાહેર કરીને કહેવામાં આવ્યુ હતું, ‘બહુત હુઇ જનતા પર પેટ્રોલ-ડીઝલ કી માર, અબ કી બાર મોદી સરકાર’. 7 નવેમ્બર 2011માં ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કહ્યુ હતું, અમે ચેલેન્જ સાથે કહી શકીએ છીએ કે પુરી રીતે રિફાઇન્ડ પેટ્રોલ દિલ્હીમાં 34 રૂપિયા અને મુંબઇમાં 36 રૂપિયામાં મળી શકે છે તેના ડબલ ભાવ કેમ સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે?

ભાજપના નેતા શાહનવાજ હુસેને 25 જુલાઇ, 2012માં કહ્યુ હતું કે જ્યારે પેટ્રોલના ભાવ વધે છે તો સરકાર એક્સાઇઝ ડ્યુટી પર નફો પણ કમાય છે. સરકારનો કોઇ નૈતિક અધિકાર નથી, સામાન્ય વ્યક્તિની વાત કરવાનો.

વધતા ભાવને લઇને સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહેલી કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે તેનું કહેવુ હતું કે વિશ્વ બજારમાં વધતી કિંમતને કારણે આવુ થઇ રહ્યુ છે. જોકે, સત્ય એ છે કે પેટ્રોલની વધતી કિંમતને લઇને ગત 2 દાયકામાં કોઇ પણ સરકાર વધુ ગંભીર નથી રહી

સરકાર પાસે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ ઘટાડવાનો અધિકાર છે. કિંમતોને ડીરેગુલેટ કરવા અને તેની પર ટેક્સ ઘટાડવાનો વિકલ્પ પણ સામેલ છે. 15 જૂન, 2017થી દેશમાં પેટ્રોલ, ડીઝલની કિંમત રોજના આધાર પર બદલવાની શરૂઆત કરવામાં આવી છે, આ પહેલા તેમાાં દર ત્રિમાસીકમાં બદલાવ થતો હતો. કિંમત બજારના હાથમાં ગયા બાદ વધુ ઝડપ જોવા મળી રહી છે.

ભારતના પાડોશી દેશમાં પેટ્રોલની કિંમત ભારતની તુલનામાં ઘણી ઓછી છે. પાકિસ્તાનમાં પેટ્રોલની વાત કરીએ તો અહી કિંમત આશરે 51 રૂપિયાની આસપાસ છે. શ્રીલંકામાં પેટ્રોલ 60.26 રૂપિયામાં મળી રહ્યુ છે. ભૂટાનમાં તેની કિંમત 49.56 રૂપિયા છે.

(12:44 am IST)