Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

બાબા રામદેવની પતંજલિએ કોવિડ-૧૯ની દવા લોંચ કરી

બાબાની પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્યમંત્રી હાજર રહ્યા : પતંજલિ ઈન્સ્ટિટ્યુટની દવા WHOથી સર્ટિફાઈડ હોવાનો રામદેવનો દાવો, WHOએ GMPનું સર્ટિફિકેટ આપ્યું

નવી દિલ્હી, તા. ૧૯ : પતંજલિ યોગપીઠના બાબા રામદેવના કોવિડ-૧૯ માટે દવા લોન્ચ કરી છે. શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને બાબા રામદેવ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષ વર્ધન અને વાહન વ્યવહાર મંત્રી નિતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. રામદેવે દાવો કર્યો કે પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની આ દવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)થી સર્ટિફાઈડ છે. દાવો છે કે ડબલ્યુએચઓએ જીએમપી એટલે કે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ આપ્યું છે. બાબાએ કહ્યું કે આ દાવો એવિડેન્સ બેઝ્ડ છે. બાબએ આ પ્રસંગે રિસર્ચ પેપરની બૂક પણ લોન્ચ કરી છે. રામદેવે કહ્યું, કોરોનિલના સંદર્ભમાં નવ રિસર્ચ પેપર દુનિયાના સૌથી પ્રભાવશાળી રિસર્ચ જર્નલ્સમાં પ્રકાશિત થઈ ગયું છે. ૧૬ રિસર્ચ પેપર પાઈપલાઈનમાં છે.

બાબા રામદેવ કોરોનિલ અંગે વાત કરતા જણાવ્યું કે, જ્યારે અમે કોરોનિલ દ્વારા લાખો લોકોને જીવનદાન આપવાનું કામ કર્યું તો લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક લોકોના મનમાં રહે છે કે રિસર્ચ તો માત્ર વિદેશમાં જ થઈ શકે છે, ખાસ કરીને આયુર્વેદના રિસર્ચ પર ઘણી શંકાઓ વ્યક્ત કરાતી હોય છે. હવે અમે શકતના તમામ વાદળો દૂર કરી દીધા છે. કોરોનિલને લઈને અલગ-અલગ બીમારી પર અમે રિસર્ચ કર્યું છે.

પતંજલિએ પાછલા વર્ષે જૂનમાં 'કોરોના કિટ' લોન્ચ કરી હતી. જેના પર ઘણો વિવાદ થયો હતો. આયુષ મંત્રાલયે પણ કહ્યું હતું કે પતંજલિ 'કોરોનિલ'ને માત્ર શરીરની 'રોગ પ્રતિરોધક ક્ષમતા વધારનારી' ગણાવીને વેચી શકે છે. રામવેદે 'કોરોનિલ'ને ત્યાં સુધી કોવિડ-૧૯ની દવા સ્વરુપે લોન્ચ કરી હતી પરંતુ વિવાદ બાદ તેઓ તેને બીમારીની અસર ઓછી કરનારી દવા ગણાવવા લાગ્યા હતા. બાબા રામદેવે એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મંત્રાલયે તેમને 'કોવિડની સારવાર' ના બદલે 'કોવિડ મેનેજમેન્ટ' શબ્દનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. ૨૩ જૂન ૨૦૨૦એ રામવેદે કોરોનિલ લોન્ચ કરીને તેનાથી કોરોનાના દર્દીઓ સાજા થતા હોવાનો દાવો કર્યો હતો. તેના લોન્ચ થતા જ વિવાદ છેડાઈ ગયો હતો. ઉત્તરાખંડના આયુષ વિભાગે પણ કોરોનાની દવા બનાવવાની કોઈ મંજૂરી કે લાયસન્સ ન લીધું હોવાની વાત કરીને પતંજલિ આયુર્વેદને નોટિસ મોકલી હતી.

(7:44 pm IST)