Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ

પવન ફૂંકાવાની સાથે વરસાદના જોરદાર ઝાપટાં :દાદર, વરલી, કોલાબા, ગોરેગામ, કાંદીવલી, મલાડ, બોરીવલી, વસઈ, વિરાર, નવી મુંબઈ, થાણેમાં વરસાદ

મુંબઈ : વિદર્ભમાં નિમર્ણિ થયેલા હવાના હળવા દબાણના પટ્ટાને કારણે મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડયો હતો. જેને પગલે દ્રાસ, જુવાર, આંબા સહિતના અનેક પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ગુવારે; રાતના આઠ વાગ્યા પછી મુંબઈના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અનેક વિસ્તારમાં જોશભેર પવન ફૂંકાવાની સાથે જ વરસાદના જોરદાર ઝાપટાં પડી ગયા હતા. ખાસ કરીને દાદર, વરલી, કોલાબા, ગોરેગામ, કાંદીવલી, મલાડ, બોરીવલી, વસઈ, વિરાર, નવી મુંબઈ, થાણેમાં વરસાદના જોરદાર ઝાપટાં પડી ગયા હતા. અચાનક આવી પડેલા વરસાદને પગલે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું.

 

આ દરમિયાન હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં પશ્ર્ચિમ મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને વિદર્ભમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડયો હતો. સાતારા, સાંગલી, મિરજ, સોલાપુર, ઉસ્માનાબાદ, આકોલા, પરભણી, ભંડારા, નાશિક, અહમદનગર, પુણે સહિતના જિલ્લાના અનેક ગ્રામિણ વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડયો હતો. સાંગલીમાં કમોસમી વરસાદને પગલે દ્રાક્ષના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો પરભણીમાં પણ વરસાદને કારણે જુવાર સહિતના અનેક પાકને નુકસાન થયું છે. રાજ્યમાં અનેક જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

હવામાન ખાતાના કહેવા મુજબ વિદર્ભ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર ઉપર સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે. આ પટ્ટો 0.9 કિલોમીટર લાંબો છે. તેને કારણે વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણેક દિવસ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં કમોસમી વરસાદ તથા કરાં પડવાની શકયતા હવામાન ખાતાએ વ્યકત કરી છે.

(11:23 am IST)